BCCIએ કોહલીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ બદલ ફટકાર લગાવી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પોતાના યો-યો ટેસ્ટનો સ્કોર ફેન્સને બતાવવો ભારે પડી ગયો છે. તેની આ ભૂલને કારણે ટીમ ઇન્ડિયાને BCCIની ફટકારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપથી પહેલાં બેંગલુરુના અલુરમાં ટીમ ઇન્ડિયાનો કેમ્પ લાગ્યો છે. જ્યાં બધા ક્રિકેટરે યો-યો ટેસ્ટ દેવો ફરજિયાત છે. કિંગ કોહલીએ આ ટેસ્ટમાં 17.2 સ્કોર હાંસલ કર્યો હતો અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સની સાથે આ સ્કોર શેર કર્યો હતો.

વિરાટ કોહલીની આ હરકત પછી BCCIએ અન્ય ક્રિકેટરોને આવું કરવાથી અટકાવ્યા હતા અને યો-યો ટેસ્ટનો સ્કોર જાહેર રીતે શેર કરવો એ કોન્ટ્રેક્ટની કલમોનું ઉલ્લંઘન જણાવ્યું હતું.વિરાટ દ્વારા યો-યો ટેસ્ટનો સ્કોર શેર કર્યા પછી અન્ય ક્રિકેટરોને ટીમ મેનેજમેન્ટ દ્વારા યો-યો ટેસ્ટનો સ્કોર જાહેર કરવાની મનાઈ ફરમાવી હતી, એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ કહે છે. આ અહેવાલ અનુસાર આ આદેશ BCCIના ટોચના  મેનેજમેન્ટ તરફથી આવ્યો હતો, જેમને સ્ટાર ક્રિકેટરોખાનગી માહિતી જાહેર કરે એ પસંદ નથી.

 આ બાબતથી વાકેફ એક BCCI સૂત્રએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે ક્રિકેટરોને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ ખાનગી મામલાને પોસ્ટ કરવાથી બચવા માટે મૌખિક રૂપે સૂચિત કરવામાં આવ્યા છે. તેઓ તાલીમ દરમ્યાન ફોટો પોસ્ટ કરી શકે છે, પરતું સ્કોર પોસ્ટ કરવો એ કરારની શરતોનું ઉલ્લંઘન છે, એમ BCCIના અધિકારીએ કહ્યું હતું. એશિયા કપ-2023થી પહેલાં ભારતીય ક્રિકેટરોએ ગુરુવારે ફિટનેશ ડ્રિલ્સની આકરી મહેનત કરી હતી, જેમાં યો-યો ટેસ્ટ પણ સામેલ હતી.