હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર કેવીરીતે કહી શકાય? કપિલનો-સવાલ

કોલકાતાઃ બોલિંગ અને બેટિંગ ક્ષમતાને કારણે હાર્દિક પંડ્યાની સરખામણી ભૂતકાળમાં મહાન ઓલરાઉન્ડર અને ભારતની પ્રથમ વર્લ્ડ-કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી ચૂકી છે, પરંતુ ખુદ કપિલ દેવ હાર્દિકને ઓલરાઉન્ડર માનતા નથી. અહીં આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે કપિલને હાર્દિક પંડ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું, ‘એણે હજી ઘણો પરફોર્મન્સ બતાવવાનો બાકી છે. ઓલરાઉન્ડર તરીકે ગણના કરાવવી હોય તો એણે બોલિંગ અને બેટિંગ, બંનેમાં કામગીરી બજાવવી પડે. એ બોલિંગ તો કરતો નથી તો એને ઓલરાઉન્ડર કેવી રીતે કહી શકાય? એને બોલિંગ તો કરવા દો, એ હમણાં જ ઈજામાંથી સાજો થયો છે. એ ટીમનો ઘણો જ મહત્ત્વનો બેટ્સમેન છે, પણ બોલિંગ માટે એણે હજી ઘણી બધી મેચો રમવી પડશે, પરફોર્મ કરવું પડશે, બોલિંગ કરવી પડશે અને તે પછી જ આપણે એ વિશે કંઈ કહી શકીશું.’

ફિટનેસને લગતા અનેક પ્રશ્નોને કારણે વડોદરાનિવાસી હાર્દિક પંડ્યાની ટીકા કરાઈ છે. એને હાલમાં જ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ ગયેલી ટ્વેન્ટી-20 સિરીઝમાંથી પણ પડતો મૂકવામાં આવ્યો હતો, જે સિરીઝ ભારત 3-0થી જીતી ગયું હતું.