T20I સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કર્યું

સિડનીઃ વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે અહીં આજે બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સિરીઝ 2-0થી કબજામાં લઈ લીધી છે. ત્રીજી અને સિરીઝની આખરી મેચ 8-ડિસેમ્બરે આ જ સ્થળે રમાશે. ભારત પહેલી મેચ 11-રનથી જીત્યું હતું. કોહલીએ ટોસ જીત્યો હતો અને ઈજાગ્રસ્ત આરોન ફિન્ચની જગ્યાએ સુકાનીપદ સંભાળનાર ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર અને ઓપનર મેથ્યૂ વેડની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ વેડના 58 (32), સ્ટીવન સ્મીથના 46 (38), મોઝીસ હેન્રીક્સના 26 (18)રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં  5 વિકેટે 194 રનનો સ્કોર કર્યો હતો. ભારતે તેના જવાબમાં 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે 195 રન કરીને મેચ જીતી લીધી હતી.

ભારતના દાવમાં ઉલ્લેખનીય સ્કોરકર્તા રહ્યાઃ શિખર ધવન 52 (36), વિરાટ કોહલી 40 (24), કે.એલ. રાહુલ 30 (22), હાર્દિક પંડ્યા અણનમ 42 (22) અને શ્રેયસ ઐયર અણનમ 12 (5). ટ્વેન્ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમનો વિદેશની ધરતી પર આ સતત 10મો વિજય છે. (વેસ્ટ ઈન્ડિઝમાં 3, ન્યૂઝીલેન્ડમાં પાંચ અને ઓસ્ટ્રેલિયામાં 2). ભારતની આગળ હવે માત્ર અફઘાનિસ્તાન છે, જેણે 12 મેચ જીતી છે. હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના દાવ વખતે એણે સ્ટીવન સ્મીથનો કેચ પણ પકડ્યો હતો.