પેરિસઃ સ્પેનના 36 વર્ષના રફાલ નડાલે ગઈ કાલે અહીં રોલાં ગેરોસ ખાતે માટીની કોર્ટ (ક્લે કોર્ટ) પર રમાઈ ગયેલી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ ફાઈનલ જીતીને 14મી વાર આ વિજેતાપદ હાંસલ કર્યું છે. એણે ફાઈનલમાં નોર્વેના કેસ્પર રડને 6-3, 6-3, 6-0થી પરાજય આપ્યો હતો. આ સાથે નડાલે કારકિર્દીમાં જીતેલા ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ વિજેતાપદોનો આંક 22 પર પહોંચાડ્યો છે. નોવાક યોકોવિચ અને રોજર ફેડરર કરતાં બે વધુ વિજેતા-ટ્રોફી એણે જીતી છે.
નડાલ પગની કોઈક ઈજાથી લાંબા સમયથી પીડાઈ રહ્યો છે. ફ્રેન્ચ ઓપન-2022 વખતે એ દવાના ઈન્જેક્શનો લઈને રમતો રહ્યો હતો. એ હવે નિવૃત્ત થશે કે કેમ? એ વિશેની અટકળોનો ખુદ નડાલે જ ગઈ કાલે અંત લાવી દીધો હતો. આગામી વિમ્બલ્ડન સ્પર્ધામાં એ રમશે કે નહીં તે વિશે એણે સ્પષ્ટતા કરી દીધી છે. એણે કહ્યું કે, શરીર સાથ આપશે તો પોતે વિમ્બલ્ડનમાં જરૂર રમશે. ‘વિમ્બલ્ડન તો કાયમ એક પ્રાથમિકતા હોય છે. હું એને ગુમાવવા નથી માગતો. જો એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓથી રમી શકાશે તો એમાં જરૂર રમીશ,’ એમ તેણે કહ્યું. ઈંગ્લેન્ડમાં વિમ્બલ્ડન સ્પર્ધા ઘાસની કોર્ટ (ગ્રાસ કોર્ટ) પર રમાય છે. આ વખતની સ્પર્ધા 27 જૂનથી શરૂ થવાની છે. એમાં નડાલ બે વાર સિંગલ્સ ચેમ્પિયન બન્યો છે.