નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન અને 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય યશપાલ શર્માનું હૃદયરોગના હુમલાને કારણે આજે સવારે અહીં એમના નિવાસસ્થાને અવસાન થયું છે. એ 66 વર્ષના હતા. રોજની જેમ આજે સવારે મોર્નિંગ વોક કરીને ઘેર આવ્યા બાદ એમને હાર્ટ એટેક આવ્યો હતો અને ઢળી પડ્યા હતા. એમના પરિવારમાં એમના પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે.
યશપાલ શર્મા સ્થાનિક સ્તરે પંજાબ અને ઉત્તર ઝોન વતી ક્રિકેટ રમ્યા હતા. 70ના અંતભાગ અને 80ના શરૂઆતના દાયકા દરમિયાન રહેલી કારકિર્દીમાં એમણે બે સદી સાથે 1,606 રન કર્યા હતા. એમણે 9 હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. એ કુલ 37 ટેસ્ટ મેચ રમ્યા હતા. પહેલી ટેસ્ટ 1979માં ઈંગ્લેન્ડ સામે રમ્યા હતા. તેમણે 33ની બેટિંગ સરેરાશ જાળવી હતી. 2000ના શરૂઆતના તબક્કામાં એ રાષ્ટ્રીય પસંદગીકાર પણ હતા. 1983ની વર્લ્ડ કપ સ્પર્ધામાં ઈંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં એમણે 61 રન ફટકાર્યા હતા, જેણે ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સ્પર્ધાની પહેલી જ મેચમાં, વેસ્ટ ઈન્ડિઝ સામે એમણે 89 રન ફટકાર્યા હતા.
શર્માના નિધનના સમાચારને પગલે દેશના સચીન તેંડુલકર, દિલીપ વેંગસરકર, વિરેન્દર સેહવાગ, યુવરાજ સિંહ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડન્ટ જય શાહ, કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત અનેક ક્રિકેટરો અને મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વેંગસરકરના જણાવ્યા મુજબ, યશપાલ શર્મા શાકાહારી હતા અને એમના આહાર તથા મોર્નિંગ વોક કરવામાં ખૂબ સતર્ક અને નિયમિત રહેતા હતા. અમારી ટીમમાં તે એક લડાયક ખેલાડી હતા.