નવી દિલ્હી: સૌરભ ગાંગુલી ફરી એક વખત કપ્તાની કરવા માટે તૈયાર છે અને ક્રિકેટમાં તેમની લિડરશિપ ફરી એક વખતો જોવા મળી શકે છે. જોકે, તફાવત એટલો હશે કે, આ વખતે તે ટીમ ઈન્ડિયાના નહીં પરુંતુ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના કેપ્ટન એટલે કે અધ્યક્ષ હશે. તમામ ડ્રામ વચ્ચે રવિવારે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં બીસીસીઆઈના તમામ સભ્યોની અનૌપચારિક મીટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો. આવો જાણીએ તેમના સુપરહિટ ક્રિકેટરથી લઈને એક સારા રણનીતિકાર કેપ્ટન અને ફરી ક્રિકેટ પ્રશાસક બનવા સુધીની સફર પર નજર નાખીએ…
ગાંગુલીને 11 જૂન, 1992માં વનડે (એકદિવસીય) ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી પણ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતાં. વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયા હતાં. ત્યારબાદ તેમણે આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે 4 વર્ષ રાહ જોવી પડી. 1996માં જ્યારે તેમને ફરી વખત ટીમમાં એન્ટ્રી થઈ તો તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડેમાં 46 રનની ઈનિંગ રમી હતી, પરંતુ આ તો માત્ર ટ્રેલર હતુ સાચી દાદાગીરીની શરુઆત તો ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝથી શરુ થઈ.
આવી રીતે શરુ થઈ દાદાગીરી
સ્પિન બોલરો માટે સૌથી ઘાતક બેટ્સમેન ગણાતા ‘બંગાલ ટાઈગર’ એ ટેસ્ટ ક્રિકેટ કેરિયરની શરુઆત ધમાકેદાર રીતે કરી હતી. ઈંગ્લેન્ડના મેદાનો પર યુવા સૌરભ ગાંગુલીએ તેમના પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી દીધી હતી. જૂન,1996માં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગાંગુલીએ 301 બોલનો સામનો કરતા 20 ચોકા અને 131 રનની ઈનિંગ રમી હતી. વાત અહીં અટકતી નથી તેના પછીનો મેચ જો નોટિંગમમાં રમાયો હતો જેમાં ગાંગુલીએ 136 રન બનાવ્યા હતા.
સચિનની કેપ્ટનમાં આવ્યો ટર્નિગ પોઈન્ટ
એ સમય હતો જ્યારે મોહમ્મદ અઝરુદીનની જગ્યાએ મહાન સચિન તેંડુલકર ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા અને ટીમ ઈન્ડિયા વનડેમાં સતત ઓપનિંગ જોડીની સમસ્યાથી પરેશાન હતી. સચિન સાથે ક્યારેક અજય જાડેજા તો ક્યારેક નયન મોંગિયા ઓપનિંગ કરવા આવતા પણ કદી મોટી ભાગીદારી બની શકી નહીં. આ સ્થિતિમાં સચિન સાથે ગાંગુલીએ ટાઈટન કપ દરમ્યાન 26 ઓક્ટોબર, 1996ના રોજ સાઉથ આફ્રિકા સામે ઓપનિંગ ઈનિંગ રમી હતી. જે દાદાના કેરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આ મેચમાં દાદાએ 54 રન બનાવ્યા ત્યારે બાદ જે કંઈ થયુ તે દરેક ક્રિક્રેટપ્રેમી જાણે જ છે. આ જોડી વનડે ક્રિકેટમાં 136 ઈનિંગમાં 6609 રનો સાથે વિશ્વની સૌથી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે.
2000માં બન્યા ટીમ ઈન્ડિયાના કેપ્ટન
તેના ક્રિકેટ ચાહકોમાં દાદા તરીકે જાણીતા સૌરભ ગાંગુલીની ઓળખ સ્પિન બોલરો માટે ઘાતક બેટ્સમેન તરીકે થવા લાગી. બે ડગલા આગળ આવીને દર્શનીય સિક્સર જોવા માટે લોકો બેતાબ રહેતા હતા. ઓફ સાઈડના ભગવાન કહેવામાં આવતા ગાંગુલીને 2000માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનવાનો મોકો મળ્યો હતો. ગાંગુલીએ કેપ્ટનશિપ સંભાળી અને ફરી વિશ્વને એક મહાન લિડરશિપના દર્શન કરાવ્યા. વર્લ્ડ કપ 2003માં ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ફાઈનલ સુધીની સફર કરી જેને ભારતીય ક્રિકેટને એક નવુ સ્તર આપ્યું.
એક કેપ્ટન તરીકે ગાંગુલીમાં જબરજસ્ત લિડરશિપ સ્કીલ જોવા મળી. ગાંગુલી ટીમના અન્ય ખેલાડીઓની પ્રતિભાને ઓળખીને તેમની પાસેથી બેસ્ટ પર્ફોર્મન્સ લેવામાં માહીર માનવામાં આવતા. ઘણી વખતે તેમણે ટીમમાં પોતાનું સ્થાન છોડીને અન્ય ટેલેન્ટને સ્થાન આપ્યુ હતું, સામાન્ય રીતે કોઈ કેપ્ટન આવુ નથી કરતા. તેમણે વિરેન્દ્ર સેહવાગને પોતાની જગ્યાએ ઓપનિંગમાં સ્થાન આપ્યું, તો શરુઆતના કેટલાક મેચમાં નિરાશાજનક પ્રદર્શન આપનાર એમએસ ધોનીને પોતાના સ્થાને ત્રીજા ક્રમ પર બેટિંગ કરવાની તક આપી. આવા અનેક ઉદાહરણ છે જે ગાંગુલીને એક શ્રેષ્ટ લિડર સાબિત કરે છે.
વર્ષ 2008માં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી તે ક્રિકેટ પ્રશાસન સાથે જોડાયા. આનો તમામ શ્રેય તેમના મેન્ટર અને દિવંગત બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન દાલમિયાને જાય છે. બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) સાથે ગાંગુલી જોડાયા. 2015માં દાલમિયાના નિધન બાદ તેમણે રાજ્ય સંઘના અધ્યક્ષની કમાન સંભાળી. હાલમાં જ તેમને ફરી વખત કેબના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા અને હવે તે નવી ઈનિંગ બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે શરુ કરવા તૈયાર છે.