ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ (રશિયા) સ્પર્ધાની ઈનામી રકમ વધારાઈ

કોલકાતા – આવતા વર્ષે રશિયામાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ-૨૦૧૮ માટેની કુલ ઈનામી રકમમાં ૧૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એવું ફિફાના પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટીનોએ અહીં કાઉન્સિલની બેઠક પૂરી થયા બાદ જણાવ્યું હતું.

કાઉન્સિલની બેઠકમાં અમુક મહત્વના નિર્ણયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ સ્પર્ધાઓ અલગ અલગ રીતે યોજવાને બદલે ૨૦૨૦ની સાલથી એક સંયુક્ત યૂથ વર્લ્ડ કપ યોજવાનો પ્રસ્તાવ. એવી જ રીતે, કોન્ફેડરેશન કપ તથા ક્લબ વર્લ્ડ કપ સ્પર્ધાઓને પણ પડતી મૂકવાનો વિચાર રજૂ કરાયો હતો.

ફિફા મહિલાઓની વર્લ્ડ કપ ૨૦૧૯ (ફ્રાન્સ), ફિફા ક્લબ વર્લ્ડ કપ ૨૦૧૮ (યૂએઈ), ફિફા અન્ડર-૨૦ મહિલાઓની વર્લ્ડ કપ ૨૦૧૮ (ફ્રાન્સ) અને ફિફા અન્ડર-૧૭ મહિલાઓની વર્લ્ડ કપ ૨૦૧૮ (ઉરુગ્વે) સ્પર્ધાઓની તારીખોને પણ મંજૂરી આપવામાં આવી છે.

મહિલાઓની વર્લ્ડ કપ સ્પર્ધા આવતા વર્ષે ફ્રાન્સમાં ૭ જૂનથી ૧૭ જુલાઈએ યોજવામાં આવશે. મહિલાઓની અન્ડર-૨૦ વર્લ્ડ કપ ૫-૨૪ ઓગસ્ટે અને મહિલાઓની અન્ડર-૧૭ વર્લ્ડ કપ ૧૩ નવેંબરથી યોજાશે.