ડક, ગોલ્ડન ડક અને ડાયમંડ ડક: જાણો ક્રિકેટના અવનવા શબ્દો વિશે

મુંબઈ- ક્રિકેટની રમતમાં જ્યારે કોઈ ખેલાડી શૂન્ય રને આઉટ થાય ત્યારે તેને ‘ડક’ આઉટ થયો તેમ કહેવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ ખેલાડી પહેલા જ બોલ પર આઉટ થાય તો તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે. હાલમાં ક્રિકેટમાં એક નવો શબ્દ પ્રચલિત થયો છે, ડાયમંડ ડક. જ્યારે કોઈ ખેલાડી એક પણ બોલ રમ્યા વિના આઉટ થાય તો તેને ડાયમંડ ડક કહેવામાં આવે છે.

તમને નવાઈ લાગશે કે, એકપણ બોલ રમ્યા વિના ખેલાડી આઉટ કેવી રીતે થાય. તો આપને જણાવીએ કે, જ્યારે ખેલાડી નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભો હોય અને રન લેતી વખતે એક પણ બોલ રમ્યા વગર આઉટ થાય ત્યારે તેને ડાયમંડ ડક કહેવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ ખેલાડી બેટિંગ કરવા દરમિયાન પહેલા જ બોલ પર (વાઈડ બોલ પર) સ્ટમ્પ આઉટ થાય તો પણ તેને ડાયમંડ ડકનો શિકાર થયો તેમ કહેવામાં આવે છે.

ક્રિકેટમાં શૂન્ય રને આઉટ થવા માટે ડક શબ્દ ક્યાંથી આવ્યો તેની પણ ઘણી રોચક વાત છે. ક્રિકેટમાં આ શબ્દની શરુઆત વર્ષ 1866માં રમાયેલી એક ક્રિકેટ મેચ દરમિયાન થઈ હતી. જેમાં વેલ્સના પ્રિન્સ શૂન્ય રને આઉટ થયા હતા ત્યારબાદ એક સ્થાનિક અખબારે હેડલાઈનમાં લખ્યું હતું કે, શાહી પ્રિન્સ ડક એગ પર આઉટ થઈ પેવેલિયનમાં પરત ફર્યા. ત્યારબાદથી ક્રિકેટ સાથે ડક શબ્દ જોડાયો. અને જ્યારે પણ કોઈ ખેલાડી શૂન્ય રને આઉટ થાય ત્યારે તેને ડક કહેવાનો શબ્દ પ્રચલિત થયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]