‘લિટલ માસ્ટર’નું બહુમાનઃ અમેરિકામાં ક્રિકેટ મેદાનને સુનીલ ગાવસકરનું નામ અપાયું

અમેરિકામાં કેન્ટુકી રાજ્યના લૂઈવિલ શહેરમાં એક ક્રિકેટ મેદાનને ભારતના દંતકથાસમા ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન સુનીલ ગાવસકરનું નામ આપવામાં આવ્યું છે. કેન્ટુકી ક્રિકેટ ફિલ્ડ હવેથી ‘સુનીલ એમ. ગાવસકર ક્રિકેટ ફિલ્ડ’ તરીકે ઓળખાય છે. 

આ મેદાન લૂઈવિલ ક્રિકેટ ક્લબની માલિકીનું છે. આ ક્લબ અમેરિકામાં ૪૨-ટીમોની મિડવેસ્ટ ક્રિકેટ લીગ સ્પર્ધામાં ભાગ લે છે.

મેદાનનું નામકરણ ગઈ ૧૫ ઓક્ટોબરે સુનીલ ગાવસકરની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને એ પ્રસંગે સુનીલ ગાવસકરના માનમાં ક્રિકેટ ક્લબે ડિનર સમારંભનું આયોજન પણ કર્યું હતું.

ગાવસકરે મેદાનને પોતાનું નામ આપીને કરાયેલા બહુમાન બદલ ખુશી વ્યક્ત કરી છે અને ક્રિકેટ ક્લબનો આભાર માન્યો છે. ૬૮ વર્ષીય ગાવસકરનું કહેવું છે કે જ્યાં ક્રિકેટ પ્રીમિયર રમત નથી એવા આ દેશમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડને મારું નામ આપવામાં આવ્યું છે એને હું મારું અનોખું સમ્માન ગણું છું.

લૂઈવિલના મેયર ગ્રેગ ફિશરનું કહેવું છે કે અમારા શહેરમાં વિશ્વભરનાં લોકો આવીને વસ્યાં છે અને ક્રિકેટની રમત અમારા શહેરનો એક હિસ્સો બની ગઈ છે.

ભવિષ્યમાં આ મેદાન પર રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચોનું આયોજન કરાશે એવી લૂઈવિલ ક્લબને આશા છે.

લૂઈવિલ ક્રિકેટ ક્લબના પ્રમુખ જેઈ બોકીએ કહ્યું કે આટલું સુંદર મેદાન ઉપલબ્ધ છે તેથી ક્રિકેટ રમતા દેશોમાંથી ક્રિકેટપ્રેમી લોકો તથા ઉદ્યોગોને લૂઈવિલ લાવવામાં મદદ મળશે.

આમ, સુનીલ ગાવસકર હવે ભારતના ગ્લોબલ ક્રિકેટ એમ્બેસેડર બન્યા છે.

સ્ટેડિયમના સ્ટેન્ડ, રોડ, ટ્રોફીને પણ ગાવસકરનું નામ અપાયું છે

ઉલ્લેખનીય છે કે ન્યૂ ઝીલેન્ડના વેલિંગ્ટન શહેરમાં એક રોડને સુનીલ ગાવસકરનું નામ આપવામાં આવ્યું છે.

વિશ્વસ્તરે ક્રિકેટપ્રેમીઓમાં એક આદરણીય ક્રિકેટ કોમેન્ટેટર તરીકે પ્રખ્યાત થયેલા ગાવસકરના વતન શહેર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડને ગાવસકરનું નામ આપવામાં આવ્યું છે.

એટલું જ નહીં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટેસ્ટ શ્રેણીઓ રમાય છે એ માટેની ટ્રોફીને પણ ગાવસકરનું નામ આપવામાં આવ્યું છે. ગાવસકરની સાથે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડનું નામ આપવામાં આવ્યું છે અને ટ્રોફી બોર્ડર-ગાવસકર ટ્રોફી તરીકે ઓળખાય છે.

ગાવસકર ટેસ્ટ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન અને ૩૦ ટેસ્ટ સદી પૂરા કરનાર વિશ્વના પહેલા બેટ્સમેન હતા. તેઓ ઓરિજિનલ ‘લિટલ માસ્ટર’ છે. બાદમાં સચીન તેંડુલકરે એમના આ બંને રેકોર્ડ તોડ્યા હતા. ગાવસકરે જ તેંડુલકરને ‘લિટલ ચેમ્પિયન’ નામ આપ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]