દર્શકો-એડવર્ટાઈઝર્સના ધરખમ પ્રતિસાદથી જિયોસિનેમા ખુશખુશાલ

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપની માલિકીની જિયોસિનેમા કંપની, જે ટાટા આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા માટેના લાઈવ સ્ટ્રીમિંગ હક ધરાવે છે, તે દર્શકોની રેકોર્ડ સંખ્યા મળવાથી અને એડવર્ટાઈઝર્સ તરફથી મળેલા સમર્થનથી ખૂબ પ્રોત્સાહિત છે અને એવી ધારણા રાખે છે કે પોતે કરેલા મૂડીરોકાણનું વળતર તે નિશ્ચિત કરેલા ત્રણ વર્ષની પહેલા જ પ્રાપ્ત કરી લેશે.

બુધવાર, 12 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં જિયોસિનેમા પર દર્શકોની સંખ્યા 2.2 કરોડ હતી, જે આંક સર્વોચ્ચ છે. આનાથી જિયોસિનેમા ખૂબ જ ઉત્સાહિત છે. તેને ધારણા છે કે સ્પર્ધાની તો હજી 70 મેચ રમાવાની બાકી છે અને નોકઆઉટ ચરણ પણ બાકી છે તેથી વ્યૂઅરશિપના ઘણા નવા રેકોર્ડ સર્જાશે.

આ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે લગભગ બે મહિના સુધી ચાલનારી ટાટા આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા માટે 23 સ્પોન્સર કંપનીઓ સાથે તેમજ 100થી વધારે નાના એડવર્ટાઈઝર્સ સાથે કરાર કર્યો છે. તેની ધારણા છે કે સ્પર્ધા આગળ વધશે તેમ આ આંકડાઓ પણ વધશે.

આ વખતની આઈપીએલ મોસમમાં દર્શકગણ મામલે ટીવી અને ડિજિટલ માધ્યમો વચ્ચે હરીફાઈ છે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ 2023-27 માટેના બ્રોડકાસ્ટ રાઈટ્સ રૂ. 48,390 કરોડમાં વેચ્યા છે. ડિઝની સ્ટારને રૂ. 23,575 કરોડમાં ભારતીય ઉપખંડ માટે ટીવી રાઈટ્સ મળ્યા છે જ્યારે રિલાયન્સના સમર્થનવાળી વાયકોમ18 કંપનીને રૂ. 20,500 કરોડમાં ડિજિટલ રાઈટ્સ મળ્યા છે.