અબુધાબીઃ વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનું સુકાનીપદ આજે છોડી દીધું છે અને ટીમના સભ્ય અને ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન ઓઈન મોર્ગનને તે સુપરત કરી દીધું છે.
હાલ યૂએઈમાં રમાતી આઈપીએલ-13 મોસમમાં કોલકાતા ટીમની બાકી રહેલી મેચોમાં સુકાનીપદ મોર્ગન સંભાળશે. તેની નવી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે છે.
ટીમે એક નિવેદનમાં આની જાણકારી આપી હતી. એમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કાર્તિકે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને એ રીતે ટીમ માટે વધુ ઉપયોગી બનવા માટે સુકાનીપદ છોડી દેવાનો નિર્ણય લીધો છે.
ટીમના સીઈઓ વેન્કી માયસોરે કહ્યું છે કે દિનેશ કાર્તિક જેવા સુકાનીઓ હંમેશાં ટીમ માટે જ રમતા હોય છે, અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે આવા સુકાની છે. પરંતુ સુકાનીપદ છોડી દેવાનો નિર્ણય લેવાની હિંમત કાર્તિક જેવા જ કોઈ કરી શકે. અમને એના નિર્ણયથી આશ્ચર્ય થયું છે, પરંતુ અમે એની ઈચ્છાનો આદર કરીએ છીએ. અમે નસીબદાર છીએ કે અમારી સાથે 2019ની વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ ટીમના સુકાની ઓઈન મોર્ગન છે, જે અમારી ટીમમાં વાઈસ-કેપ્ટન રહ્યા છે. એ હવે ટીમનું સુકાન સંભાળવા રાજી થયા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમે છે. એણે સાતમાંથી ચાર મેચ જીતી છે.