માલન ભારત સામેની SFમાં કદાચ નહીં રમે

એડીલેડઃ 10 નવેમ્બરે અહીંના એડીલેડ ઓવલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધાની બીજી સેમી ફાઈનલ મેચ રમાશે. તે પૂર્વે ઈંગ્લેન્ડ માટે એક માઠા સમાચાર છે. એનો ડાબોડી બેટર ડેવિડ માલન ઈજાગ્રસ્ત થયો છે અને તે કદાચ સેમી ફાઈનલમાં રમી નહીં શકે, એવું ઈંગ્લેન્ડના વાઈસ-કેપ્ટન અને ઓલરાઉન્ડર મોઈન અલીએ બીબીસી ન્યૂઝને કહ્યું છે. માલનની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે અને તે બરાબર ચાલી શકતો નથી. આ ઈજા તેને ગત મેચમાં બાઉન્ડરી લાઈન તરફ જતા બોલને અટકાવવા જતાં થઈ હતી.

ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં માલન ઈંગ્લેન્ડનો હાઈએસ્ટ રેન્ક ધરાવતો બેટર

માલન છેલ્લા કેટલાક વર્ષોથી ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટર્સમાંનો એક બની રહ્યો છે. જોકે હાલની ટુર્નામેન્ટમાં એનું ફોર્મ કંગાળ રહ્યું છે. એનો હાઈએસ્ટ સ્કોર 35 રહ્યો છે. માલન જો ફિટ નહીં થાય તો ભારત સામેની સેમી ફાઈનલમાં એની જગ્યાએ ફિલ સોલ્ટને રમાડવામાં આવશે. સોલ્ટ ઈંગ્લેન્ડ વતી 11 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. એનો હાઈએસ્ટ સ્કોર છે 88 રન, જે તેણે ગયા સપ્ટેમ્બરમાં પાકિસ્તાન સામેની મેચમાં કર્યો હતો.

વર્તમાન સ્પર્ધામાં એડીલેડ ઓવલમાં ગુરુવારની મેચ ઈંગ્લેન્ડ માટે પહેલી જ હશે. જ્યારે ભારત અહીં રમી ચૂક્યું છે. સુપર-12 રાઉન્ડમાં તેણે બાંગ્લાદેશને પાંચ-રનથી હરાવ્યું હતું.

સ્પર્ધાની પહેલી સેમી ફાઈનલ 9 નવેમ્બરે સિડનીમાં રમાશે, જેમાં પાકિસ્તાનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે.

(તસવીર સૌજન્યઃ @englandcricket)