ડેવિડ વોર્નરનો ‘શીલા કી જવાની’ ગીતની ધૂન પર પુત્રી સાથે ડાન્સ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે એના ઘરમાં એની બે પુત્રી સાથે બોલીવૂડ ફિલ્મના ‘શીલા કી જવાની’ ગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો અને એનો ટિકટોક વિડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કરતાં તરત જ એ વાયરલ થયો છે.

હાલ આખું વિશ્વ કોરોના વાઈરસના રોગચાળાને કારણે ત્રસ્ત છે અને લોકડાઉન થયું છે. એમાં ઓસ્ટ્રેલિયા પણ બાકાત નથી. વોર્નર પોતાના ઘરમાં ક્વોરન્ટાઈન સમયગાળો વિતાવી રહ્યો છે. આવા નિરાંતના સમયમાં એણે એની દીકરીઓ ઈવી અને ઈન્ડી સાથે મળીને 2010માં આવેલી બોલીવૂડની ફિલ્મ ‘તીસ માર ખાન’ના ખૂબ જાણીતા થયેલા આઈટમ સોન્ગ ‘શીલા કી જવાની’ની ધૂન પર ડાન્સ કર્યો અને પછી એનો વિડિયો પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો. તે ગીત કેટરીના કૈફ પર ફિલ્માવવામાં આવ્યું હતું.

બાપ-દીકરી બંનેને વિડિયોમાં આ ગીતના મસ્ત સ્ટેપ્સ લેતા જોઈ શકાય છે.

વોર્નર અને એની પત્ની કેન્ડીસને 3 પુત્રી છે – ઈવી મે, ઈન્ડી રે અને ઈસ્લા રોઝ.

33 વર્ષીય વોર્નરે આ જ ગીત પર એમનાં ડાન્સના બે વિડિયો ઈન્ટરનેટ પર શેર કર્યા છે અને બંનેને અઢળક વ્યૂઝ મળ્યા છે. અનેક કમેન્ટ્સ પણ આવી છે. એક જણે લખ્યું છે કે, ‘તમે બંનેએ તો કેટરીના કરતાં પણ વધારે સરસ ડાન્સ કર્યો છે’… તો એક અન્ય જણે લખ્યું છે, ‘હાહાહા… વધારે પ્રેક્ટિસની જરૂર છે દોસ્ત.’

ડાબોડી બેટ્સમેન વોર્નરને 2018માં બોલ સાથે ચેડાં કરવાના પ્રકરણમાં તેની ભૂમિકા બદલ એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરાયો હતો. એક વર્ષનો પ્રતિબંધ પૂરો થયા બાદ એ ક્રિકેટ મેદાન પર પાછો ફર્યો હતો અને જોરદાર ફોર્મ બતાવ્યું હતું. ભારતમાં, આઈપીએલ સ્પર્ધામાં એ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો કેપ્ટન છે. 2016માં એના સુકાનીપદ હેઠળ હૈદરાબાદ ટીમે ટ્રોફી જીતી હતી. ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પરાજય આપ્યો હતો.

આ વર્ષે આઈપીએલ સ્પર્ધાને કોરોના વાઈરસ મહાબીમારીને કારણે બેમુદત મુલતવી રાખવામાં આવી છે.

https://www.instagram.com/p/B_HMVlcJMAS/

 

https://www.instagram.com/p/B_GTVsGJ1c5/