બર્મિંઘમઃ અહીં રમાતી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગની રમતમાં ભારતના સાગર અહલાવતે સુપર હેવીવેઈટ વર્ગની હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે. ફાઈનલ મુકાબલામાં ઈંગ્લેન્ડના ડેલિસીયસ ઓરી સામે એનો પરાજય થતાં એને રજતથી સંતોષ માનવો પડ્યો છે.
23 વર્ષના ચંડીગઢનિવાસી સાગરે 25-વર્ષના રાષ્ટ્રીય ચેમ્પિયન ઓરી સામે શરૂઆત સારી કરી હતી અને પહેલો રાઉન્ડ જીતી લીધો હતો, પરંતુ ત્યારબાદના બે રાઉન્ડ્સમાં એ તેની ક્ષમતા જાળવી શક્યો નહોતો. કોમનવેલ્થ ગેમ્સમાં સાગરનો આ પહેલો જ મેડલ છે. સુપર હેવીવેઈટ વર્ગમાં કોઈ ભારતીય સ્પર્ધકનો આ પહેલી જ વાર આટલો પ્રભાવશાળી દેખાવ જોવા મળ્યો છે. જ્યારે વર્તમાન ગેમ્સમાં બોક્સિંગમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા છે – ત્રણ સુવર્ણ, એક રજત અને ત્રણ કાંસ્ય.