વર્લ્ડ કપ હોકી ક્વાર્ટર ફાઈનલઃ નેધરલેન્ડ્સને હરાવવા ભારત સંપૂર્ણપણે સજ્જ

ભૂવનેશ્વર – મેન્સ વર્લ્ડ કપ હોકી સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો આવતીકાલે નેધરલેન્ડ્સ સામે થવાનો છે. ભારતના કોચ હરેન્દ્ર સિંહે કહ્યું છે કે આ મુકાબલા માટે ભારતીય ટીમ એકદમ સજ્જ થઈ ગઈ છે.

ભારતીય ટીમ જો ગોલ કરી નહીં શકે તો ક્રાઉડનું પ્રેશર એની પર રહેશે એવા નેધરલેન્ડ્સ ટીમના વિધાન વિશે હરેન્દ્ર સિંહે કહ્યું કે ક્રાઉડ તો અમને 12મા ખેલાડીની જેમ અતિરિક્ત ઊર્જા પૂરી પાડે છે. નેધરલેન્ડ્સ ટીમ આસાનીથી લાભની સ્થિતિમાં આવી જાય એવો કોઈ ચાન્સ નથી. દર્શકોની અપેક્ષાને કેવી રીતે સંતોષવી એ અમારા ખેલાડીઓને બરાબર આવડે છે.

ભારતીય ટીમના કોચ હરેન્દ્ર સિંહ

ભારતીય ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું કે વર્લ્ડ કપ પૂર્વેના છેલ્લા વર્ષમાં અમારી ટીમે રમતમાં ઘણા સુધારા કર્યા છે અને આવતીકાલની મેચની શરૂઆતથી જ સંપૂર્ણ કન્ટ્રોલ અમારા હાથમાં રહે એ જ અમારો ટાર્ગેટ રહેશે.

ભારત પૂલ-Cમાં મોખરે રહીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું છે જ્યારે નેધરલેન્ડ્ ક્રોસઓવર મેચમાં કેનેડાને પાંચ ગોલના માર્જિનથી હરાવીને ભારત સામે જોડાયું છે.