ચેન્નાઈ સુપર કિંગ્સ IPL-11ની ફાઈનલમાં; સનરાઈઝર્સ હૈદરાબાદને 2-વિકેટથી હાર આપી

મુંબઈ – અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી આઈપીએલ-2018 (આઈપીએલ-11)ની ક્વોલિફાયર-1 મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે હારેલી બાજીને જીતમાં પલટાવીને સનરાઈઝર્સ હૈદરાબાદને 2-વિકેટથી પરાજય આપ્યો છે અને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

હૈદરાબાદે તેના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 139 રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈએ ફાફ ડુ પ્લેસીના અણનમ 67 અને શાર્દુલ ઠાકુરના મહત્વના સમયે થયેલા અણનમ 15 રનના જોરે 19.1 ઓવરમાં 8 વિકેટના ભોગે 140 રન કરીને મેચ જીતી લીધી છે.

ફાઈનલ મેચ 27 મેના રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં જ રમાશે.

હવે આવતીકાલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં એલિમિનેટર અથવા ક્વોલિફાયર-2 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. એ બેઉમાંથી જે જીતશે એનો મુકાબલો ઈડન ગાર્ડન્સમાં જ 25 મેએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે અને એ બેઉમાંથી જે જીતશે એનો મુકાબલો 27મીએ ફાઈનલમાં ચેન્નાઈ સામે થશે.

ફાફ ડુ પ્લેસી 42 બોલમાં 67 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 4 છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. શેન વોટસન દાવની પહેલી જ ઓવરમાં 0 પર આઉટ થયો હતો. ત્યારબાદ પ્લેસીની નજર સામે એક પછી એક વિકેટ પડતી રહી હતી, પણ તે એક છેડો સંભાળીને અડીખમ ઊભો રહ્યો હતો. સુરેશ રૈના 22, અંબાતી રાયડુ ઝીરો, કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની 9, ડ્વેન બ્રાવો 7, રવિન્દ્ર જાડેજા 3, દીપક ચહર 10, હરભજન સિંહ 2 રન કરીને આઉટ થયો હતો. 18મી ઓવરના પાંચમા બોલે હરભજન સિંહ આઉટ થયો ત્યારે સ્કોર 113 રન હતો. ચેન્નાનો પરાજય લગભગ નિશ્ચિત હતો, પણ શાર્દુલ ઠાકુરે ત્રણ બાઉન્ડરી ફટકારીને મેચને જીવંત બનાવી દીધી હતી.

મેચની છેલ્લી ઓવરમાં ચેન્નાઈને જીત માટે 6 રનની જરૂર હતી. પ્લેસીએ ભૂવનેશ્વરે ફેંકેલા પહેલા જ બોલમાં સિક્સર ફટકારીને મેચ સમાપ્ત કરી દીધી હતી.

એ પહેલાં, હૈદરાબાદે 7મા ક્રમે આવેલા હાઈએસ્ટ સ્કોરર કાર્લોસ બ્રેથવેઈટના અણનમ 43 રન, કેપ્ટન કેન વિલિયમ્સન અને યુસુફ પઠાણના 24-24 રનના મુખ્ય યોગદાનની મદદથી 139 રન કર્યા હતા. ચેન્નાઈના ડ્વેન બ્રાવોએ બે વિકેટ ઝડપી હતી જ્યારે દીપક ચહર, લુન્ગી એન્ગીડી, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની આ મોસમમાં હૈદરાબાદને બંનેની વચ્ચેની ત્રણેય મેચમાં પરાજય આપ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે 9 વખત આઈપીએલમાં ભાગ લીધો છે. આ સાતમી વખતે એણે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. એ બે વાર (2010, 2011)માં ચેમ્પિયન બની છે. 4 વખત રનર્સ-અપ.

httpss://twitter.com/CricProf/status/998977921405550592