મુંબઈઃ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઈસીસી યોજિત T20 વર્લ્ડ કપ સ્પર્ધા પૂર્વે ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટ્રાઈક બોલર જસપ્રિત બુમરાહ બેક સ્ટ્રેસ ફ્રેક્ચર તકલીફને કારણે સ્પર્ધામાં રમી શકવાનો નથી. બેક સ્ટ્રેસ ફ્રેક્ચર તકલીફમાં સર્જરીની જરૂર પડતી નથી, પરંતુ એમાં રૂઝ આવતાં ઘણો લાંબો સમય નીકળી જાય છે. ફાસ્ટ બોલરો જ્યારે બોલિંગ કરે છે ત્યારે એમના આગળના પગ પીઠ પર વધારે બોજ આવતો હોય છે. એને કારણે એમને તે ભાગમાં પીડા થાય છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે બુમરાહ પીઠના આ દર્દને કારણે છ મહિના સુધી ક્રિકેટ રમી નહીં શકે. એની જગ્યાએ વર્લ્ડ કપ ટીમમાં દીપક ચાહર અથવા મોહમ્મદ શમીને સામેલ કરવામાં આવશે.
28 વર્ષનો બુમરાહ હાલમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે બીજી અને ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં રમ્યો હતો, પણ હાલ દક્ષિણ આફ્રિકા સામે શરૂ થયેલી શ્રેણીની પહેલી મેચમાં રમી શક્યો નહોતો. વર્લ્ડ કપ પૂર્વે ભારતીય ટીમને આ બીજો ફટકો પડ્યો છે. બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત છે. એણે હાલમાં જ ઘૂંટણની સર્જરી કરાવી છે અને હાલ એ સાજો થઈ રહ્યો છે.
