નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાની-નિવાસી અને ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલવિજેતા બોક્સર વિજેન્દર સિંહે આજે દિલ્હીના સિંઘુ વિસ્તારમાં ખેડૂતોના આંદોલનની એક સભામાં હાજરી આપી હતી અને એવી ધમકી આપી હતી કે જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તો પોતે એનો ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ સરકારને પરત કરી દેશે.
35 વર્ષીય કોંગ્રેસી નેતા વિજેન્દર સિંહે કહ્યું હતું કે હવે બહુ થયું. જો સરકાર ખેડૂતોની માગણીઓને સાંભળશે નહીં તો ખેડૂતોના સમર્થનમાં મેં મારો ખેલરત્ન એવોર્ડ પાછો આપી દેવાનું નક્કી કર્યું છે. હું ખેડૂતો અને લશ્કરી જવાનોના પરિવારમાંથી આવું છું. તેથી એમની પીડા અને ચિંતાને હું સમજી શકું છું. હવે સમય આવી ગયો છે કે સરકાર એમની માગણીઓ પર ધ્યાન આપે.
વિજેન્દર સિંહે 2008ની બીજિંગ ઓલિમ્પિક્સમાં પુરુષોની બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતે આ રમતમાં જીતેલો તે પહેલો જ ઓલિમ્પિક મેડલ હતો. 2009માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેની આ બે સિદ્ધિને પગલે એને ‘ખેલ રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બીજિંગ ઓલિમ્પિક્સ દરમિયાન ભારતીય બોક્સિંગ ટીમના ઈન-ચાર્જ રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રીય બોક્સિંગ કોચ ગુરબક્ષ સિંહ સંધુએ પણ ધમકી આપી છે કે જો સરકાર ખેડૂતોની માગણીઓ નહીં સ્વીકારે તો પોતે એમનો ‘દ્રોણાચાર્ય એવોર્ડ’ પાછો આપી દેશે.