અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ-2023ની ફાઈનલ મેચને ગઈ કાલે ધોધમાર અને બરફના કરા તેમજ વીજળીના કડાકાભડાકા સાથેના વરસાદે રમાવા દીધી નહોતી. પરિણામે હજારો ક્રિકેટપ્રેમીઓને નિરાશ થઈને ઘેર પાછાં ફરવું પડ્યું હતું. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રિઝર્વ દિવસે ફાઈનલ મેચ રમાશે.
(તસવીર સૌજન્યઃ https://www.iplt20.com/)
પરંતુ આજે દિવસ સાવ જુદો છે. સાંજે 4 વાગ્યે પણ અમદાવાદમાં તડકો હતો. ખાનગી વેધશાળા એક્યૂવેધરની આગાહી મુજબ, અમદાવાદમાં આજે આખો દિવસ આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. માત્ર સાંજના સમયે વરસાદ પડવાની 3 ટકા સંભાવના છે. દર કલાકે અપાતી વેધર અપડેટ્સ અનુસાર વરસાદ પડવાની સંભાવના અત્યંત ઓછી છે. મેચ સમયસર શરૂ થશે એવી આશા છે. આઈપીએલ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે સ્ટેડિયમમાં ગઈ કાલે ટિકિટ લઈને આવેલા લોકોએ પ્રવેશ માટે એ જ ટિકિટ આજે બતાવવાની રહેશે.
આઈપીએલના 16 વર્ષના ઈતિહાસમાં આ પહેલી જ વાર ફાઈનલ મેચને રિઝર્વ દિવસે રમાડવી પડશે.