પાકિસ્તાની ક્રિકેટરોએ બુમરાહને નવજાત પુત્ર માટે આપી વિશેષ ગિફ્ટ

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય સ્ટ્રાઈક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલમાં જ પિતા બન્યો છે. એની પત્ની સંજનાએ એમનાં પ્રથમ સંતાન રૂપે પુત્રને જન્મ આપ્યો છે. એશિયા કપ સ્પર્ધાની અધવચ્ચે ભારત જઈને પત્ની અને પુત્રને મળી આવ્યા બાદ બુમરાહ કોલંબોમાં ભારતીય ટીમ સાથે પાછો જોડાઈ ગયો છે. ગઈ કાલે, સ્પર્ધાના સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, પરંતુ વરસાદના વિઘ્નને કારણે તે પૂરી કરી શકાઈ નહોતી અને આજે રિઝર્વ દિવસે તેને આગળ વધારવામાં આવશે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. વરસાદે 24.1 ઓવર બાદ મેચ અટકાવી ત્યારે ભારતે તેના દાવમાં બે વિકેટે 147 રન કર્યા હતા. વિરાટ કોહલી 8 અને કે.એલ. રાહુલ 17 રન કરીને દાવમાં હતા. કેપ્ટન રોહિત શર્મા 56 અને શુભમન ગિલ 58 રન કરીને આઉટ થઈ ગયા છે. બંનેએ પહેલી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી.

ગઈ કાલની રમત સમાપ્ત થયાની જાહેરાત કરાયા બાદ ભારતીય ટીમ એમની હોટેલમાં પાછી ફરી રહી હતી ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી બુમરાહને એના નવજાત પુત્ર અંગદ માટે એક વિશેષ ગિફ્ટ આપવામાં આવી હતી. ગિફ્ટ બોક્સ પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ અફરિદી તરફથી બુમરાહને સુપરત કરવામાં આવ્યું હતું. અફરિદીએ બોક્સ આપતી વખતે બુમરાહને પિતા બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે, ‘અલ્લાહ એને હંમેશાં ખુશ રાખે અને નવો બુમરાહ બનાવે.’

તેના જવાબમાં બુમરાહે કહ્યું હતું, ‘ખૂબ ખૂબ આભાર, તમારા આ પ્રેમ બદલ.’ ગિફ્ટની આપ-લેની તે મુલાકાતને પાકિસ્તાન ટીમના સત્તાવાર વિડિયોગ્રાફરે તેનાં કેમેરામાં ઝડપીલીધી હતી અને ત્યારબાદ તે મૂવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર તેના સત્તાવાર હેન્ડલ પર શેર કરી હતી. 29 વર્ષીય બુમરાહ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની ગ્રુપ-મેચની ટીમમાં સામેલ હતો, પરંતુ તે મેચ વરસાદને કારણે અધૂરી રહી ગઈ હતી. ભારતે બેટિંગ કરી હતી, પરંતુ પાકિસ્તાનનો દાવ આવી શક્યો નહોતો. ત્યારબાદ પત્ની અને પુત્ર પાસે રહેવા માટે બુમરાહ મુંબઈ ગયો હતો તેથી નેપાળ સામેની મેચમાં રમી શક્યો નહોતો.