દુબઈ – કટ્ટર હરીફ પાકિસ્તાનને આજે અહીંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ-2018માં ગ્રુપ-Aની મેચમાં 8-વિકેટથી હરાવીને સ્પર્ધામાં સતત બીજો વિજય નોંધાવ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ એની ટીમ 43.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં ભારતે 29 ઓવરમાં બે વિકેટના ભોગે 164 રન કરીને મેચ જીતી લીધી હતી. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને આ છઠ્ઠી વાર હરાવ્યું છે. ભારત હવે સ્પર્ધામાં સુપર-4 તબક્કામાં, 21 સપ્ટેંબરે બાંગ્લાદેશ સામે રમશે, જ્યારે પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે રમશે. 23 સપ્ટેંબરે સુપર-4 તબક્કામાં, ભારત-પાકિસ્તાન અને અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. 25મીએ ભારત અને અફઘાનિસ્તાન સામે અને 26મીએ પાકિસ્તાન બાંગ્લાદેશ સામે રમશે. ફાઈનલ મેચ 28મીએ રમાશે.
ભારતના દાવમાં કેપ્ટન રોહિત શર્માએ 52, શિખર ધવને 46 રન કર્યા હતા. આ બંનેએ પહેલી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. આ જોડી પેવિલિયનમાં પાછી ફર્યા બાદ અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિકે ટીમનું વધુ નુકસાન થવા દીધું નહોતું. બંને જણ વ્યક્તિગત 31 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. એમણે ત્રીજી વિકેટ માટે 60 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
અગાઉ, ભારતના ફાસ્ટ તેમજ સ્પિન બોલરોની સરસ કામગીરીને લીધે પાકિસ્તાનનો એકેય બેટ્સમેન હાફ સેન્ચુરી ફટકારી શક્યો નહોતો.
બાબર આઝમ સૌથી વધુ 47 રન કરી શક્યો. અનુભવી શોએબ મલિકે 43 રન કર્યા હતા. આ બંને બેટ્સમેને ત્રીજી વિકેટ માટે 82 રન ઉમેર્યા હતા. કેપ્ટન સરફરાઝ એહમદ માત્ર 6 રન કરી શક્યો હતો.
ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર અને ઓફ્ફ સ્પિનર કેદાર જાધવે વ્યક્તિગત 3 વિકેટ લીધી હતી. ભૂવનેશ્વરે બંને ઓપનર અને 10મા નંબરના બેટ્સમેન હસન અલીને આઉટ કર્યા હતા. 7 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લેવા બદલ ભૂવનેશ્વરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. અન્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 23 રનના ખર્ચે બે વિકેટ પાડી હતી. જ્યારે ચાઈનામેન બોલર કુલદીપ યાદવ બાબર આઝમની કિંમતી વિકેટ પાડવામાં સફળ થયો હતો.
વિકેટકીપર ધોનીએ બે કેચ પકડીને અને શાદાબ ખાન (8)ને સ્ટમ્પ આઉટ કરીને બોલરોને સાથ પૂરો પાડ્યો હતો.
ગ્રુપ-Aમાં, આ બંને ટીમ પોતપોતાની પહેલી મેચમાં હોંગ કોંગને હરાવી ચૂકી હતી. હોંગ કોંગ ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે.
ગ્રુપ-બીમાંથી અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ રમે છે.
15 મહિના પછી પહેલી વાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ જંગ ખેલાયો હતો. છેલ્લે, 2017ની 18 જૂને ઓવલમાં, ચેમ્પિયન્સ ટ્રોપી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો જેમાં ભારત જીત્યું હતું.
આઈસીસી વર્લ્ડ રેન્કિંગ્સ અનુસાર, વન-ડે ક્રિકેટમાં હાલ ભારત નંબર-2 છે અને પાકિસ્તાન નંબર-5.
આજની મેચ માટે બંને ટીમની ઈલેવન આ પ્રમાણે હતીઃ
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાનઃ ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ, શોએબ મલિક, સરફરાઝ એહમદ (કેપ્ટન અને વિકેટકીપર), આસીફ અલી, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઉસ્માન ખાન, મોહમ્મદ અમીર, હસન અલી.