મેદાનમાંથી સ્ટ્રેચર પર લઈ જવામાં આવેલો હાર્દિક પંડ્યા એશિયા કપમાંથી આઉટ

દુબઈ – ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપમાં હવે રમી નહીં શકે. એને ટીમમાંથી હટાવી લેવામાં આવ્યો છે.

ગઈકાલે બુધવારે, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાઈ ગયેલી ગ્રુપ-Aની મેચમાં પાકિસ્તાનના દાવ વખતે બોલિંગ કરતી વખતે પંડ્યા ઓચિંતો ફોલોથ્રૂ પર ફસડાઈ ગયો હતો. એને સ્ટ્રેચર પર સુવડાવીને ડ્રેસિંગ રૂમ લઈ જવો પડ્યો હતો.

દુબઈમાં 41 ડિગ્રી ગરમી હોવાને કારણે પંડ્યાની પીઠનો સ્નાયૂ ખરાબ રીતે ખેંચાઈ ગયો હતો.

ટીમ મેનેજમેન્ટે પંડ્યાની જગ્યાએ નવા ખેલાડીને મોકલવા કહ્યું હતું અને ક્રિકેટ બોર્ડે દીપક ચાહરને મોકલવાનું નક્કી કર્યું છે.

પંડ્યા ઉપરાંત, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર પણ ઈજાગ્રસ્ત થયા છે અને એમને પણ ભારત પાછા મોકલી દેવામાં આવશે. પટેલની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને શાર્દુલની જગ્યાએ સિદ્ધાર્થ કૌલને દુબઈ મોકલવામાં આવશે. અક્ષર પટેલને હાથના અંગૂઠામાં ઈજા થઈ છે અને ઠાકુરને સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે.

એશિયા કપમાં ભારતીય ટીમ સુપર-4 તબક્કામાં પહોંચી છે.