કોલંબોઃ શ્રીલંકાએ ગઈ કાલે પોતાની જ ધરતી પર રમાઈ ગયેલી વર્ચ્યુઅલ સેમી ફાઈનલ મેચમાં સહ-યજમાન પાકિસ્તાનને બે-વિકેટથી હરાવીને એશિયા કપ-2023ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારની ફાઈનલમાં તેનો મુકાબલો ભારત સાથે થશે. વરસાદના વિઘ્નને કારણે ટીમદીઠ 42 ઓવરની કરી દેવાયેલી મેચ જીતવા માટે 8-વિકેટ ખોઈ ચૂકેલા શ્રીલંકાને 253 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મેચની આખરી ઓવરમાં જીત માટે શ્રીલંકાને 8 રનની જરૂર હતી. ત્યારબાદ આખરી બોલમાં જીત માટે એણે બે રન કરવાના હતા. જો એક રન થયો હોત તો મેટ ટાઈ થઈ હોત અને સુપર-ઓવરનો આશરો લેવો પડ્યો હોત. પણ ચરિથ અસલંકાએ નવોદિત ફાસ્ટ બોલર ઝમાન ખાને ફેંકેલા બોલમાં સુરક્ષિત સ્થાન તરફ ફટકો મારીને બે રન દોડી લેતાં શ્રીલંકા વિજયી થયું હતું. તે બોલ નખાય એ પહેલાં જ અસલંકાએ એના સાથી મથીશા પથિરાનાને કહ્યું હતું કે ‘પૂરું જોર લગાવીને દોડજે એટલે આપણે બે રન મેળવી લઈશું.’ ઝમાન ખાને યોર્કર ફેંકવાને બદલે સ્લો બોલ ફેંકતા અસલંકાનું કામ આસાન થયું હતું. પાંચમા ક્રમનો બેટર અસલંકા 47 બોલમાં 3 ચોગ્ગા, એક છગ્ગા સાથે 49 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ શ્રીલંકાના વન-ડાઉન બેટર અને વિકેટકીપર કુસલ મેન્ડિસને આપવામાં આવ્યો હતો, જેણે 87 બોલનો સામનો કરીને 91 રન કર્યા હતા. પાકિસ્તાનના દાવમાં મેન્ડિસે કેપ્ટન બાબર આઝમને સ્ટમ્પ આઉટ કર્યો હતો અને શાદાબ ખાનનો કેચ પકડ્યો હતો.
શ્રીલંકા આ 11મી વાર એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે. એશિયા કપમાં મેચના આખરી બોલમાં કોઈ ટીમે જીત મેળવી હોવાનું આ બીજી વાર બન્યું છે. 2018ની ફાઈનલમાં (દુબઈ) ભારતે બાંગ્લાદેશને 3-વિકેટથી પરાજય આપ્યો હતો.