કોલકાતા – અહીંના ઈડન ગાર્ડન્સ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-12)ની મેચમાં, આન્દ્રે રસેલે ધુઆંધાર બેટિંગ કરીને તેની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ પર 6-વિકેટથી જીત અપાવી છે.
હૈદરાબાદ ટીમે તેના ઓપનર ડેવિડ વોર્નરના 85 રનની મદદથી 20 ઓવરમાં 3 વિકેટે 181 રન કર્યા હતા. તેના જવાબમાં કોલકાતાએ 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે 183 રન કરીને મેચ જીતી લીધી હતી.
આન્દ્રે રસેલ 19 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 49 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એની સાથે શુભમન ગિલ 10 બોલમાં 18 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ 25 બોલમાં 65 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
છેલ્લી ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 13 રનની જરૂર હતી. ગિલે બે સિક્સ ફટકારી દીધી હતી.
એક સમયે કોલકાતા માટે જીતવું મુશ્કેલ જણાયું હતું, પણ રસેલે મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. એણે કેપ્ટન ભૂવનેશ્વર કુમારની બોલિંગને પણ ઝૂડી નાખી હતી અને તેની એક જ ઓવરમાં બે ચોગ્ગા, બે છગ્ગા ફટકારીને મેચ હૈદરાબાદના હાથમાંથી છીનવી લીધી હતી.
કોલકાતા ટીમનો હાઈએસ્ટ સ્કોરર નીતિશ રાણા હતો. એણે 47 બોલમાં 3 છગ્ગા અને આઠ ચોગ્ગા સાથે 68 રન ફટકાર્યા હતા. એને રોબિન ઉથપ્પા (35)નો સાથ મળ્યો હતો. ઓપનર ક્રિસ લીન (7)ની વિકેટ પડ્યા બાદ રાણા અને ઉથપ્પાએ 80 રનની ભાગીદારી કરી હતી. આ જોડી તૂટ્યા બાદ કેપ્ટન દિનેશ કાર્તિક બે રન કરીને આઉટ થયો હતો.
ત્યારબાદ રસેલે આવીને એની આગવી સ્ટાઈલમાં ફટકાબાજી કરીને ઈડન ગાર્ડન્સમાં હાજર હજારોની મેદનીને ખુશખુશાલ કરી દીધી હતી. બોલીવૂડ સુપરસ્ટાર અને કોલકાતા ટીમનો માલિક શાહરૂખ ખાન અને સહ-માલિકણ અભિનેત્રી જુહી ચાવલા પણ સ્ટેન્ડમાં હાજર હતાં.
અગાઉ, કોલકાતા ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. વોર્નરે 53 બોલમાં 9 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 85 રન ઝૂડી કાઢ્યા હતા. એણે અને વિકેટકીપર જોની બેરસ્ટો (39)ની ઓપનિંગ જોડીએ 12.5 ઓવરમાં 118 રન કર્યા હતા. વિજય શંકરે અણનમ 40, યુસુફ પઠાણે 1 રન કર્યો હતો. મનીષ પાંડે 8 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.