વાર્ષિક ટ્વેન્ટી-20 ક્રિકેટોત્સવ – આઈપીએલ2019ના આરંભે ચેન્નાઈ-બેંગલોર મુકાબલો

ચેન્નાઈ – ટીમ દીઠ 20 ઓવરોવાળી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 12મી આવૃત્તિનો આવતીકાલથી અહીં આરંભ થશે. સ્પર્ધાની પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે થશે. બંને ટીમના કેપ્ટન – મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી અનુભવી છે, પરંતુ કોહલીની ટીમ હજી સુધી એકેય વાર આ સ્પર્ધામાં વિજેતા બની શકી નથી. જ્યારે ચેન્નાઈ ટીમ 3 વાર વિજેતા બની ચૂકી છે.

ચેન્નાઈ ટીમને એના હોમગ્રાઉન્ડ પર હરાવવી એ કોહલીની ટીમ માટે ખાવાના ખેલ જેવી વાત નથી.

બીજી ઉલ્લેખનીય વાત એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સમાં અનુભવી ખેલાડીઓ બીજી બધી ટીમો કરતાં વધારે છે. કેપ્ટન ધોની પોતે  37-વર્ષનો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન શેન વોટ્સન પણ 37 વર્ષનો છે. ડ્વેન બ્રાવોને 35 વર્ષ થયા, તો ફાફ ડુ પ્લેસીને 34, અંબાતી રાયડુ અને કેદાર જાધવને 33 અને સુરેશ રૈનાને 32 વર્ષ થયા છે.

આ ટીમ પાસે બે અનુભવી સ્પિનર પણ છે. ઈમરાન તાહિર 39 વર્ષનો છે અને હરભજન સિંહને 38 વર્ષ થયા.

આઈપીએલમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધારે સાતત્ય ધરાવનાર ટીમ બની છે. એ કાયમ ટોપ-4માં રહેવા પામી છે.

સામે છેડે, કોહલીની બેંગલોર ટીમ અન્ડર-અચીવર રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ આ વખતની સ્પર્ધામાં કંઈક ઝમકદાર દેખાવ કરે એવી ટીમને આશા છે.

બંને ટીમ આ મુજબ છેઃ

ચેન્નાઈ સુપર કિંગ્સઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), સુરેશ રૈના, અંબાતી રાયડુ, શેન વોટસન, ફાફ ડુ પ્લેસી, મુરલી વિજય, કેદાર જાધવ, સેમ બિલિંગ્સ, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ શોરી, ચૈતન્ય બિશ્નોઈ, રિતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, કર્ણ શર્મા, ઈમરાન તાહિર, હરભજન સિંહ, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, મોહિત શર્મા, કે.એમ. આસીફ, ડેવિડ વિલી, દીપક ચહર, જગદીશન (વિકેટકીપર).

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, પાર્થિવ પટેલ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, શિમરોન હેટમેયર, શિવમ દુબે, નેથન કુલ્ટર-નાઈલ, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, હેન્રિક ક્લાસન (વિકેટકીપર), મોઈન અલી, કોલીન ડી ગ્રેન્ડહોમ, પવન નેગી, ટીમ સાઉધી, આકાશદીપ નાથ, મિલિંદ કુમાર, દેવદત્ત પડીક્કલ, ગુરકીરાત સિંહ માન, પ્રયાસ રે બર્મન, કુલવંત કેજરોલીયા, નવદીપ સૈની, હિંમત સિંહ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]