હવે ગાંધીનગરમાં જ થશે ચાંદીપુરા વાયરસનું ટેસ્ટિંગ

ગાંધીનગર: રાજ્યમાં વ્યાપેલા ચાંદીપુરાના કેસો મુદ્દે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને માહિતી આપી. જણાવ્યું કે, પૂણે મોકલાયેલા સાત સેમ્પલમાંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા વાઈરસનું હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ વાઇરસનાં સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસનાં સેમ્પલનું ટેસ્ટિંગ હવે GBRC(ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર)માં થશે. સેમ્પલને પુણે મોકલવાં નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. હાલમાં જ રાજ્યમાં શંકાસ્પદ 29 જેટલાં ચાંદીપુરાના કેસો જોવા મળ્યા છે, જેમાંથી 15 બાળ દર્દીઓના મોત થયા છે. જેથી હવે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપીને કાચા મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.ચાંદીપુરા કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાઈરસથી પ્રભાવિત છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાઇરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા જોઈએ. આ બિમારીમાં દર્દી 24 કલાકમાં હોસ્પિટલ જાય એ જરૂરી છે, જેથી તેની યોગ્ય દવા અને બચાવ થઈ શકે.