મુન્દ્રા પોર્ટની 25 વર્ષની સ્મૃતિમાં સ્પેશિયલ સ્ટેમ્પ ટિકિટ

અમદાવાદ: અદાણી ઉદ્યોગ સમૂહનું મુખ્ય બંદર અને ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર એવા મુંદ્રા પોર્ટને તેની કામગીરીના સિલ્વર જ્યુબિલી વર્ષના ઉપલક્ષમાં ખાસ પોસ્ટલ સ્ટેમ્પથી સન્માનિત કરવામાં આવ્યું છે. વિશ્વ પોસ્ટ દિવસ નિમિત્તે બહાર પાડવામાં આવેલ આ સ્મૃતિ સ્ટેમ્પ મુન્દ્રા પોર્ટના સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન અને છેલ્લાં 25 વર્ષમાં વૈશ્વિક મેરીટાઇમ પાવરહાઉસમાં તેણે પ્રસ્થાપિત કરેલા પરિવર્તનનના દબદબાને ઉજવે છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી, અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી, ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર, પ્રાદેશિક મુખ્ય મથકના જનરલ મેનેજર ક્રિષ્ણકુમાર યાદવ અને અન્ય અધિકારીઓની હાજરીમાં સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું.ગૌતમ અદાણીએ એક સમયે ઉજ્જડ અને વેરાન ભાસતાં મુન્દ્રા બંદરને પોતાની આગવી કોઠા સુઝથી વિકસાવીને નિર્માણ કરવા સાથે તેને સતત વિસ્તારતા રહ્યા. પરિણામે મુન્દ્રા પોર્ટ આજે ઝડપથી મુખ્ય વ્યાપારી હબ અને ભારત માટે મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. દ્વારા સંચાલિત મુન્દ્રા બંદરની એક જ જેટીથી શરુ થયેલી વિકાસ યાત્રાના પરિણામ સ્વરુપ આજે તે વૈશ્વિક શિપિંગ હબમાં વિકસિત થવા સાથે ભારતને વિશ્વ સાથે જોડવા ઉપરાંત દેશના અંતરિયાળ વિસ્તારના નોંધપાત્ર ભાગને પણ બંદરીય સેવા આપે છે.

ગુજરાત અને ભારત બંને માટે આર્થિક વિકાસનું મહત્ત્વપૂર્ણ પ્રેરક બની રહેલું મુન્દ્રા પોર્ટે 1998ના વર્ષથી રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ. 2.25 લાખ કરોડથી વધુની માતબર રકમનું યોગદાન આપ્યું છે, આ પોર્ટે અત્યાર સુધીમાં 7.5 કરોડથી વધુ માનવ-દિન રોજગારીનું સર્જન કરવા સાથે રુ.70,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષિત કર્યું છે. મુંદ્રા પોર્ટ હાલમાં ભારતના દરિયાઈ કાર્ગોના લગભગ 11% અને દેશના કન્ટેનર ટ્રાફિકના 33%નું સંચાલન કરે છે. જ્યારે સામાજિક ક્ષેત્રમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પોર્ટની સામુદાયિક સહાયતાની કરવામાં આવેલ પહેલ 61 ગામો સુધી પહોંચી છે જેનો લાભ સાડા ત્રણ લાખથી વધુ લોકોને મળ્યો છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ના મેનેજીંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “આ સ્મૃતિ ટપાલ ટિકિટ માત્ર મુન્દ્રા પોર્ટના વારસાને જ નહીં, પરંતુ ગુજરાતના લોકો સાથેની વિશ્વાસની અમારી ભાગીદારી અને રાજ્ય સરકારની સહાયક પ્રોત્સાહક નીતિઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.”

ઈન્ડિયા પોસ્ટ દ્વારા જારી કરાયેલ સ્મૃતિ ટપાલ ટિકિટનું શીર્ષક “25 વર્ષ પ્રગતિ – મુન્દ્રા પોર્ટ” છે અને તેમાં મુન્દ્રા પોર્ટના પરિવર્તનનું વિઝ્યુઅલ વર્ણન છે. 12 સ્ટેમ્પને સમાવતી સ્ટેમ્પ શીટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા APSEZની સાથે મળીને તૈયાર કરવામાં આવી હતી. હૈદરાબાદમાં સિક્યોરિટી પ્રિન્ટિંગ પ્રેસમાં કુલ 60,000 સ્ટેમ્પ સાથે 5,000 સ્ટેમ્પ શીટ્સ છાપવામાં આવી છે. આ સ્ટેમ્પ ઈન્ડિયા પોસ્ટના ઈપોર્ટલ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.

મુંદ્રા પોર્ટ સ્મૃતિ ટીકીટ ઉપરાંત ઈન્ડિયા પોસ્ટે ખાસ કવર અને સ્ટેમ્પ રદ કરવાની પ્રક્રિયા પણ પ્રસ્તુત કરી છે. નવી દિલ્હીના નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં સ્ટેમ્પ શીટની નકલ પણ કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવશે.