અમદાવાદ: નોબેલ પુરસ્કાર એ માનવજાતને સૌથી વધુ લાભ માટે વિશ્વનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ વર્ષે 12 નવા નોબલ લૉરીએટને તેમની સિદ્ધિઓ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. જેણે માનવજાતને સૌથી વધુ લાભાન્વિત કરી છે.
પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણીમાં, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં એક ખાસ આઉટરીચ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ ખાસ આઉટરીચ પ્રોગ્રામ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ તથા પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગર સ્થિત આવેલ રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) ખાતે યોજાવાના છે.
આ આઉટરીચ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ, વિજ્ઞાન શિક્ષકો અને સામાન્ય નાગરિકોમાં વિજ્ઞાન અને નવીનતાનો ઉત્સાહ લાવવા માટે તૈયાર કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં વિષય નિષ્ણાતો સાથે ઇન્ટરેક્ટિવ સેશન્સનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જે નોબેલ પારિતોષકની શોધો અને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને મેડિસિન જેવા વિવિધ ક્ષેત્રો પર તેમની પરિવર્તનકારી અસર વિશે વાર્તાલાપ કરશે.
GUJCOST એ તેના રિજ્યોનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) ખાતે નોબેલ પ્રાઈઝ ગેલેરીનું નિર્માણ કરેલ છે. RSC પાટણ ખાતે રસાયણશાસ્ત્ર પર નોબેલ પ્રાઈઝ ગેલેરી, RSC રાજકોટ ખાતે ભૌતિકશાસ્ત્ર પર નોબેલ પ્રાઈઝ ગેલેરી તથા RSC ભાવનગર ખાતે મેડિસિન પર નોબેલ પ્રાઈઝ ગેલેરી તેમજ ભુજ ખાતે ફિલ્ડ્સ મેડલ ગેલેરી આવેલી છે. આ ગેલેરીઓ મુલાકાતીઓને નોબેલ પારિતોષિક વિજેતાની સિદ્ધિઓના નોંધપાત્ર ઈતિહાસ અને માનવતા પર તેમની દૂરગામી અસર સાથે જોડવા માટે બનાવવામાં આવી છે.