બૉલિવૂડના લોકપ્રિય ગાયક સોનુ નિગમના ફેન્સ માટે એક સારા સમાચાર છે. કન્નડા ભાષાના અપમાનને લઈ ગાયક વિરુદ્ધ દાખલ થયેલી FIR પર કર્ણાટક હાઈકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સોનુ નિગમ વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી થશે નહીં.
બેંગલુરુના કાર્યક્રમમાં વિવાદ શરૂ થયો હતો
આખો વિવાદ બેંગલુરુમાં એક લાઈવ કોન્સર્ટ દરમિયાન શરૂ થયો હતો. ખરેખર, કાર્યક્રમ દરમિયાન કેટલાક પ્રેક્ષકોએ સોનુ નિગમને કન્નડમાં ગાવાની વિનંતી કરી. આ માંગણી પછી સોનુનું વલણ થોડું કઠોર બન્યું અને તેણે એવી ટિપ્પણી કરી જેનાથી વિવાદ સર્જાયો.સોનુ નિગમ પ્રમાણે પ્રેક્ષકોએ ધમકી દ્વારા કન્ન્ડા ગીત ગાવાની માંગણી કરી હતી.ગાયકે કોન્સર્ટ દરમિયાન પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં તેમને ટોક્યા અને વિવાદ શરૂ થયો.
આ પછી સ્થાનિક કન્નડ સમુદાયે તેને અપમાનજનક ગણાવ્યું અને ગાયક વિરુદ્ધ FIR દાખલ કરી હતી.જોકે બાદમાં સોનુ નિગમે આ સમગ્ર મામલે માફી પણ માંગી હતી.
સોનુ નિગમે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો
FIR નોંધાયા પછી સોનુ નિગમે આ મામલે કર્ણાટક હાઈકોર્ટનો સંપર્ક કર્યો. તેમણે એફઆઈઆર રદ કરવાની માંગણી કરતી કોર્ટમાં અરજી દાખલ કરી. કેસની સુનાવણી કરતી વખતે, કોર્ટે ગાયકને મોટી રાહત આપી અને આદેશ આપ્યો કે આ મુદ્દે તેમની સામે કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવે.
વિવાદ વધ્યા બાદ સોનુ નિગમે સોશિયલ મીડિયા પર કન્નડ સમુદાયની માફી પણ માંગી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું હતું, ‘માફ કરશો કર્ણાટક, તમારા માટેનો મારો પ્રેમ મારા અહંકાર કરતાં મોટો છે.’ જોકે, આ માફી છતાં, કન્નડ ઉદ્યોગના કેટલાક જૂથોએ તેમના પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.
