ભારત-બ્રિટનના FTA પર હસ્તાક્ષરઃ હવે 99 ટકા નિકાસ પર નહીં લાગે ટેરિફ

નવી દિલ્હીઃ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર 24 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયા. આ સોદો છ મેએ થયો હતો અને તેને આખરી સ્વરૂપ આપવા માટે લગભગ ત્રણ મહિના લાગ્યા. આ સમયગાળામાં કાનૂની તપાસ અને ઓટોમોબાઇલ્સ પર ટેરિફ છૂટથી સંબંધિત મુદ્દાઓને નક્કી કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં આશરે 34 અબજ ડોલરનો વધારો થશે.

મોદી સરકારે કહ્યું હતું કે દેશનાં કપડાં, જૂતાં, સમુદ્રી ખાદ્યપદાર્થો, એન્જિનિયરિંગ સાધનો, રત્નો અને આભૂષણો બ્રિટિશ બજારમાં વધુ સરળ રીતે પહોંચી શકશે. દેશના કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ ઉત્પાદનો માટે પણ નવી તકો ખૂલશે. આ FTA ખાસ કરીને ભારતના યુવાનો અને ખેડૂતો માટે લાભદાયક રહેશે. જ્યારે બ્રિટનના મેડિકલ ડિવાઇસ અને એરોસ્પેસ પાર્ટ્સ જેવાં ઉત્પાદનો હવે ભારતમાં ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.

વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ કરાર ખેડૂતો માટે મોટી જીત છે, કારણ કે લગભગ 95 ટકા કૃષિ ઉત્પાદનો હવે શૂન્ય શુલ્ક (ડ્યુટી-ફ્રી) પર નિકાસ કરી શકાશે. સમુદ્રી ઉત્પાદનો માટે પણ 99 ટકા પર ટેરિફ રદ થઈ જશે, જે માછીમારોની આવક વધારશે.

બ્રિટિશ PM કહે છે, સૌથી મોટો કરાર

બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મરે કહ્યું હતું કે આ સમજૂતી કરાર યુરોપિયન યુનિયનમાંથી બહાર આવ્યા બાદ બ્રિટન માટે “સૌથી મોટો અને આર્થિક રીતે સૌથી મહત્વપૂર્ણ” કરાર છે. આ કરાર બંને દેશો માટે લાભદાયક છે. આ કરાર મજૂરી વધારશે, જીવન સ્તર સુધારશે અને સામાન્ય નાગરિકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકશે. આ રોજગાર, વેપાર, ટેરિફ ઘટાડો અને વેપારને સરળ, ઝડપી અને સસ્તું બનાવશે.

બ્રિટિશ હાઈ કમિશનના નિવેદન પ્રમાણે ભારત-બ્રિટેન વેપાર કરારથી દર વર્ષે £ 25.5 અબજના દ્વિપક્ષી વેપારમાં વધારો થવાની અપેક્ષા છે. આ કરાર હજારો નોકરીઓને પ્રોત્સાહન આપશે, ટેરિફ ઘટાડશે અને બંને દેશોના બિઝનેસ માટે બજારમાં પ્રવેશ સરળ બનાવશે.

ભારતીય નિકાસકારોને મોટો ફાયદો

આ કરારથી ભારતીય નિકાસકારોને મોટો લાભ થશે, કારણ કે લગભગ 99 ટકા ટેરિફ લાઈનો પર શૂલ્ક સમાપ્ત કરવામાં આવશે. આ લગભગ સમગ્ર વેપાર મૂલ્યને આવરી લે છે. ખાસ કરીને શ્રમ આધારિત ક્ષેત્રો જેમ કે ટેક્સટાઇલ્સ, સમુદ્રી ઉત્પાદનો, ચામડાં, જૂતાં-ચપ્પલ, રમતગમતનું સામાન, રમકડાં, રત્ન અને આભૂષણોના નિકાસમાં વધારો થશે.