ગુજરાત: ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ (IIS)ના ૨૦૦૮ બેચના વરિષ્ઠ અધિકારી સિદ્ધાર્થ બોડકેએ આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે વિધિવત પદભાર સંભાળી લીધો છે.
બહોળો અનુભવ અને અગાઉની સેવાઓ
સિદ્ધાર્થ બોડકે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસમાં જાહેર સંચાર અને મીડિયા મેનેજમેન્ટ ક્ષેત્રે વ્યાપક અનુભવ ધરાવે છે. PIB અમદાવાદમાં જોડાતા પહેલાં તેઓ દૂરદર્શન કેન્દ્ર (DDK) મુંબઈ, PIB દિલ્હી અને DD ન્યૂઝ દિલ્હી ખાતે બ્રોડકાસ્ટિંગ અને જાહેર સંચારના વિવિધ મહત્વપૂર્ણ પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
સંચાર મજબૂત બનાવવા પર ભાર
અપર મહાનિદેશક તરીકેનો પદભાર સંભાળતા સિદ્ધાર્થ બોડકેએ સરકાર, મીડિયા અને જનતા વચ્ચેના સંચારને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારી નીતિઓ, યોજનાઓ અને પહેલોની સચોટ અને વિશ્વસનીય માહિતી સમયસર લોકો સુધી પહોંચાડવી એ પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત, વ્યવસાયિકતા જાળવીને નવા ઉભરતા ડિજિટલ અને સંચાર પ્લેટફોર્મ્સના માધ્યમથી સમાજના તમામ વર્ગો સુધી પહોંચ વધારવા અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
પદભાર ગ્રહણ પ્રસંગે PIB અમદાવાદની ટીમે સિદ્ધાર્થ બોડકેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત તથા આસપાસના વિસ્તારોમાં મીડિયાની પહોંચ અને સંચાર ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.




