શ્રાવણઃ ઠેર ઠેર નાગ પાંચમ મહોત્સવ

અમદાવાદ : ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનાના ઉત્સવો અને તહેવારોની શરૂઆત થઇ ગઇ છે. એમાં શ્રાવણ વદ પાંચમનો દિવસ નાગ પંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના પરિવાર ઘરમાં નાગ પાંચમની પૂજા કરી ઉજવણી કરે છે.

રાજ્યના કેટલાક પ્રાંતમાં નાગને દેવતા તરીકે પૂજવામાં આવે છે. અનેક સ્થળોએ નાગના સ્થાનક છે સાથે મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જ્યારે ગુજરાતની નાગ પાંચમ ઉજવાય છે ત્યારે આખાય રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં નાના મોટા સ્થાનક અને મંદિરોનું નિર્માણ થયેલું છે. વન વગડા જંગલ સાથે જેને વધારે નિસ્બત છે એવા મોટાભાગના લોકો નાગ દેવતાની પૂજા કરતાં હોય છે. નાગદેવતાના આ સ્થાનકો, મંદિરોમાં આજે વહેલી સવારથી પૂજા ભજન કિર્તન અનુષ્ઠાન સાથેના અનેક કાર્યક્રમો ઉજવાઇ રહ્યા છે.શાહીબાગ ડફનાળા સાબરમતી નદીના કિનારે ભેખડધારી ગોગા મહારાજનું મંદિર આવેલું છે. વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે મહંત અને ઉપસ્થિત શ્રધ્ધાળુઓ દ્વારા પરિસરમાં બિરાજમાન નાગની ત્રણ પ્રતિમાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. સાણંદ વિરમગામ હાઇવે પર આવેલા વિરોચન નગરના શ્રી ખેતિયા નાગદેવ મંદિર સહિત રાજ્યમાં જુદા જુદા સ્થળોએ આજે નાગ પાંચમને એક મોટા ઉત્સવ તરીકે ઉજવાઇ રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)