ગુજરાત સહિત દેશભરમાં ઠંડીમાં વધારો થયો છે. ભારે પવન સાથે ઠંડીમાં વધારો થયો છે. જેના પગલે હવે શિયાળાની અસર જોવા મળી રહી છે. જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર ભારતના વિવિધ રાજ્યો સાથે ગુજરાત સુધી ઠંડીનો પારો નીચો જઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય રાજધાની દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહારમાં આગામી 5 દિવસ સુધી ભારે ધૂમ્મસ છવાયેલું રહેશે. જેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, દેશના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે. ને હમણાં કાતિલ ઠંડીથી રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. ઘણાં રાજ્યોમાં શીતલહેર છવાયેલી છે. ખાસ કરીને સવારે, સાંજે અને રાતના સમયે ઝાકળનું પ્રમાણ પણ વધુ રહેવાની સંભાવના છે.
બીજી તરફ પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવનારા ત્રણ દિવસ દરમિયાન ધૂમ્મસ છવાયેલું રહેશે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર અને મિઝોરમના લોકોએ પણ આગામી 2 દિવસ સુધી ધૂમ્મસનો સામનો કરવો પડશે. આ તરફ ઓડિશા અને છત્તીસગઢમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે.
આ તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું 12 ડિગ્રી રહ્યું છે. આ સિવાય ડીસામાં 10, ભુજમાં 11, કંડલા (એરપોર્ટ) 11, મહુવામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
તેમજ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને દિલ્હીમાં કોલ્ડ વેવ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 4થી 6 જાન્યુઆરી 2023 સુધી આ વિસ્તારોમાં સખત ઠંડી પડશે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશ અને હિમાચલપ્રદેશમાં 2થી 3 દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેશે.