જમ્મુ-કાશ્મીરના બે જિલ્લામાં 1800 વધારાના CRPF જવાનોને તૈનાત કરાશે

રાજૌરી જિલ્લામાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ વધારાની 18 કંપનીઓ (1800 સૈનિકો) જમ્મુ અને કાશ્મીર મોકલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુંછ અને રાજૌરી જિલ્લામાં સૈનિકોને તૈનાત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બે આતંકવાદી ઘટનાઓમાં બે સગીર પિતરાઈ સહિત છ લોકો માર્યા ગયા હતા.  CRPFની 8 કંપનીઓ ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સ્થળની નજીકના સ્થળોએથી તૈનાત કરવામાં આવશે, જ્યારે CRPFની 10 કંપનીઓ દિલ્હીથી મોકલવામાં આવી રહી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલાઓ અંગે ગુપ્ત માહિતીના આધારે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશને પગલે આ પગલું લેવામાં આવ્યું છે.

રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો

સોમવારે IED (વિસ્ફોટક ઉપકરણ) બ્લાસ્ટમાં બે પિતરાઈ ભાઈઓ માર્યા ગયા હતા. જ્યારે રવિવારે સાંજે, આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના વિસ્તારમાં ત્રણ મકાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર નાગરિકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા. મંગળવારે દરેકના તેમના વતન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આતંકવાદી હુમલામાં છ લોકોના મોત થયા હતા

આ હુમલાઓમાં ચાર વર્ષીય વિહાન શર્મા, 16 વર્ષીય સમીક્ષા શર્મા, સતીશ કુમાર (45), દીપક કુમાર (23), પ્રિતમ લાલ (57) અને શિશુ પાલ (32)ના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રાજૌરી શહેર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હત્યામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

હત્યાઓ સામે વિરોધ

પોલીસે હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. હુમલાના વિરોધમાં મંગળવારે કિશ્તવાડ જિલ્લામાં બંધ પાળવામાં આવ્યો હતો. શહેરમાં દુકાનો અને ધંધાકીય સંસ્થાઓ બંધ રહી હતી અને માર્ગો પર વાહન વ્યવહાર આંશિક રીતે બંધ રહ્યો હતો. આ સિવાય જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં હત્યાના વિરોધમાં દેખાવો પણ થયા છે.

હુમલાઓ પર મહેબૂબા મુફ્તીનું નિવેદન

આ હુમલાઓ પર, પૂર્વ સીએમ અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ બુધવારે (4 જાન્યુઆરી) કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી સરકારની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે કોણ જવાબદાર છે? આ ઘટના કેમ બની? જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. જમ્મુના લોકોએ ભાજપને વોટ આપ્યા, પરંતુ હવે તેમના પર હુમલા થઈ રહ્યા છે, તેથી ભાજપ તમાશો જોઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]