ટ્રમ્પના નિર્ણય પર શેખર કપૂરે ચેતવણી આપી, કહ્યું,’આ નિર્ણય અમેરિકા પર…’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત વિદેશમાં બનેલી ફિલ્મો જે અમેરિકા આવે છે તેના પર હવે 100 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણયની અસર ભારત અને ભારતીય ફિલ્મો પર પણ પડશે. હવે બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક શેખર કપૂરે ટ્રમ્પના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શેખર કપૂર કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય તેમના પર વિપરીત અસર કરી શકે છે.

અમેરિકાથી બહાર જઈ શકે છે હોલીવૂડ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા, શેખર કપૂરે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે અને તેને હોલીવુડ માટે જ ખતરો ગણાવ્યો છે. શેખર કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,”હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસનો 75 ટકાથી વધુ હિસ્સો અમેરિકાની બહારથી આવે છે અને તે ફિલ્મોના બજેટનો મોટો ભાગ અમેરિકાની બહાર ખર્ચવામાં આવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં આયાત થતી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાથી હોલીવુડને અમેરિકાની બહાર જવાની ફરજ પડી શકે છે. જે તેમની અપેક્ષાઓ અને ઇરાદાઓથી બિલકુલ વિરુદ્ધ હશે.”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે રાત્રે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું, “અમેરિકામાં ઉદ્યોગ ઝડપથી મૃત્યુ પામી રહ્યો છે. અન્ય દેશો આપણા ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને અમેરિકાથી દૂર ભગાડવા માટે ઘણા પ્રોત્સાહનો આપી રહ્યા છે. હોલીવુડ અને અમેરિકાના ઘણા અન્ય વિસ્તારોનો નાશ થઈ રહ્યો છે. આ અન્ય દેશો દ્વારા સુનિયોજિત પ્રયાસ છે અને તેથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.”

તેમણે ઉમેર્યુ કે એટલા માટે હું વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવને નિર્દેશ આપી રહ્યો છું કે તેઓ વિદેશમાં બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરે જે આપણા દેશમાં આવી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મો ફરીથી અમેરિકામાં બને.