પ્રખ્યાત બૉલિવૂડ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવને સ્વર્ગસ્થ તબલા વાદક ઝાકિર હુસૈન સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમને તેમની 74મી જન્મજયંતિ પર યાદ કર્યા છે. ઝાકિર હુસૈનીનો જન્મ દિવસ રવિવાર, 9 માર્ચે હતો, પરંતુ શંકર મહાદેવને સોમવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઝાકિર હુસૈન સાથેની એક તસવીર શેર કરી, તેમને તેમના માર્ગદર્શક અને ગુરુ તરીકે યાદ કર્યા.
ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા શંકર મહાદેવને લખ્યું, “મારા પ્રિય ગુરુ અને માર્ગદર્શકને જન્મદિવસની શુભકામનાઓ. અમને હંમેશા આશીર્વાદ આપતા રહો. તમે હંમેશા, દરેક સમયે, દરેક જગ્યાએ અમારી સાથે છો. સંગીતના દરેક સ્વરમાં હું તમને યાદ કરું છું. ઝાકીર ભાઈ, હું તમને ખૂબ પ્રેમ કરું છું.”
73 વર્ષની વયે અવસાન થયું
પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું ગયા વર્ષે 15 ડિસેમ્બરે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ફેફસાના રોગને કારણે 73 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પરિવાર દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.
View this post on Instagram
છ દાયકાની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા
ઝાકીર હુસૈન વિશ્વના સૌથી પ્રખ્યાત તબલા વાદકોમાંના એક હતા. તેમને અનેક સન્માનો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે છ દાયકાની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ પણ જીત્યા. તેમણે 2009 માં તેમનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. આ પછી, 2024 માં 66મા ગ્રેમી એવોર્ડ્સમાં, તેમણે 3 અલગ અલગ આલ્બમ માટે 3 ગ્રેમી એવોર્ડ જીત્યા.
શંકર મહાદેવન વિશે વાત કરીએ તો, ‘દિલ ચાહતા હૈ’ અને ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોમાં સંગીત આપનાર શંકર મહાદેવનની ગણતરી ભારતના મહાન સંગીતકારોમાં થાય છે. શંકર મહાદેવન એક ગાયક હોવાની સાથે સાથે સંગીતકાર પણ છે અને તેમણે ‘મિતવા’ સહિત ઘણા બોલિવૂડ ગીતો ગાયા છે.
