અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘેરલુ શેરબજારમાં બેતરફી વધઘટે તેજી થઈ હતી. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા જિયો પોલિટિકલ ટેન્શન છતાં ભારતીય શેરબજારોમાં તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે એક ટકા જેટલો વધારો થયો હતો. IT, મેટલ, રિયલ્ટી અને ઓઇલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર લેવાલી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.23 લાખ કરોડનો વધારો થયો હતો.
ક્રૂડ એઇલ માર્કેટમા બ્રેન્ટ ક્રૂડ 74 ડોલર પ્રતિ બેરલથી નીચે સરક્રાય પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં નીચલા સ્તરેથી સુધારો થયો હતો. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનું ટેન્શન ઓછું થતાં અને ક્રૂડ ઓઇલની કિંમતો ઘટતાં બજાર ફરી તેજીને પંથે થયું હતું. જેથી નિફ્ટી 24,900ની ઉપર બંધ આવ્યો હતો. બેન્ક નિફ્ટી અને મિડકેપમાં પણ નોંધપાત્ર સુધારો થયો હતો, જ્યારે વોલિટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો હતો. એ સાથે ઓઇલ અને ગેસ શેરોમાં તેજી થઈ હતી.
બીજી બાજું દેશમાં ચોમાસું આગળ વધ્યું હતું. જેને લીધે પણ શેરબજારમાં તેજી થઈ હતી. BSE સેન્સેક્સ 678 પોઇન્ટ ઊછળીને 81,796ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 228 પોઇન્ટ વધી 24,947ના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી બેન્ક 418 પોઇન્ટ ઊછળી 55,945ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 541 પોઇન્ટની તેજી સાથે 58,769ના સ્તરે બંધ થયો હતો.
