સેન્સેક્સ, નિફ્ટીમાં વર્ષની સૌથી મોટી તેજીઃ સેન્સેક્સ 1300 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેટલાક દેશો માટે ટેરિફ પર 90 દિવસ રોક લગાવવાનું એલાન કરતાં ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 1310 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી 22,850ને પાર થયો હતો. મિડેક્પ ઇન્ડેક્સ 1.84 ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 3.04 ટકા વધ્યો હતો. બધા સેક્ટોરલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડ વધારો થયો હતો.

એશિયન શેરબજારોની મંદીની અસર બજાર પર પડી નહોતી. સેન્સેક્સ 1310 પોઇન્ટ ઊછળીને 75,157ના મથાળે બંધ થયો હતો, જે 22 નવેમ્બર, 2024 પછીનો સૌથી મોટો ઉછાળો હતો. જ્યારે નિફ્ટી 429 પોઇન્ટ ઊછળીને 22,828ના સ્તરે બંધ થયો હતો.ટ્રમ્પે ટેરિફમાં ભારતને 90 દિવસની રાહત આપી હતી, જ્યારે અમેરિકાએ ચીન પર 145 ટકા ટેરિફ લગાવ્યો હતો, જેમાં 125 ટકા રેસિપ્રોકલ ટેરિફ અને 20 ટકા વધારાનો ટેક્સ લગાવ્યો હતો.  જવાબી કાર્યવાહીમાં ચીને પણ અમેરિકી ઉત્પાદનો પર રોક લગાવવા અનેક પગલાં ભર્યાં હતાં. ચીને દેશમાં હોલિવુડની ફિલ્મો રિલીઝની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો હતો.

BSE પર કુલ 4079 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3118 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 844 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 117 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 66 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 41 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. જ્યારે 326 શેરોમાં અપર સરકિટ લાગી હતી.