સપ્તાહમાં સેન્સેક્સ, નિફ્ટી પાંચ ટકા તૂટ્યાઃ રોકાણકારોના 19 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં પણ ઘરેલુ શેરબજારોમાં નરમાઈતરફી વલણ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહમાં આશરે પાંચ ટકા તૂટ્યા હતા, જે અઢી વર્ષમાં આવેલો સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી 50માં 1200 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો, જ્યારે સેન્સેક્સમાં પાંચ સેશનમાં 4000 પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો. જેથી રોકાણકારોને આશરે રૂ. 19 લાખ કરોડનો ચૂનો લાગ્યો હતો. આ સપ્તાહને નિફ્ટીના 50 શેરોમાંથી 48 ઘટ્યા હતા.

બજારમાં નિફ્ટીમાં ઓલટાઇમ હાઇથી આશરે 10 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે, જ્યારે સેન્સેક્સમાં આજે આશરે તેના મહત્તમ સ્તરથી 1300 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. મોટા ભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા, જ્યારે સૌથી ખરાબ પ્રદર્શન નિફ્ટી ITનું રહ્યું હતું.

બજારના નિષ્ણાતોના જણાવ્યાનુસાર ડિસેમ્બર અંતે ક્રિસમસને કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી થઈ હતી. આ સપ્તાહે FIIએ આશરે રૂ. 12,230 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. બજારમાં ઓક્ટોબરમાં FIIએ રૂ. એક લાખ કરોડથી વધુના શેરો વેચ્યા હતા. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 1.5 ટકા ઘટ્યા હતા. જેથી સેન્સેક્સ 1176 પોઇન્ટ તૂટીને 78,041.59 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 364 તૂટીને 23,587.50ના મથાળે બંધ થયો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4085 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1046 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2947 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 92 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 229 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 68 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે 274 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 284 શેરોમાં નીચલી સરકિટ લાગી હતી.