અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટીએ 24,900નું સ્તર પાર કર્યું હતું. બેન્ક નિફ્ટી 400 પોઇન્ટથી વધુ તેજી તઈ હતી. નિફ્ટી FMCG ઇન્ડેક્સમાં આશરે 1.5 ટકાની તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો. વૈશ્વિક બજારોના મિશ્ર પ્રવાહોની વચ્ચે એશિયન બજારો ઊંચા ખૂલ્યાં હતાં. જેથી સ્થાનિક શેરબજારોમાં પણ તેજી થઈ હતી. આ સાથે દેશમાં ચોમાસું આ વર્ષે એક સપ્તાહ વહેલું બેસવાના આસાર છે. જેથી પણ બજારોમાં તેજી જળવાઈ હતી.
આ સાથે વિશ્લેષકોનું માનવું હતું કેઅમેરિકી ટ્રેઝરી યિલ્ડમાં ઘટાડાથી ઉભરતાં બજારોમાં દબાણો ઓછા થયાં હતાં. સ્થાનિક બજારોમાં નિફ્ટી IT, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને FMCG ઇન્ડેક્સમાં 1-2 ટકાની તેજી થઈ હતી. મેટલ, PSU બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસમાં આશરે એક ટકાની તેજી થઈ હતી. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100માં એક ટકાની તેજી થઈ હતી. સેન્સેક્સ 769 પોઇન્ટ ઊછળી 81,721ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 243 પોઇન્ટ ઊછળી 24,853ના મથાળે બંધ થયો હતો.
NSE પર ઉપલબ્ધ આંકડા અનુસાર FIIએ ગઈ કાલે ચોખ્ખા વોચવાલ રહ્યા હતા અને તેમણે રૂ. 5045.36 કરોડ શેર ખરીદ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3715 કરોડની શેર ખરીદ્યા હતા.
BSE પર કુલ 4106 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2361 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1589 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 156 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 98 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 23 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે સાત શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે સાત શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
