અમદાવાદઃ બજેટ 2025 રજૂ થાય એ પહેલાં ઘરેલુ શેરબજારોમાં સપ્તાહના પ્રારંભે 800થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી 50એ 23,000ના બધા સપોર્ટ તોડ્યા હતા. સેન્સેક્સ 76,000ની નીચે ચાલી ગયો હતો. બજારમાં શેરોની જાતેજાતમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. રોકાણકારોના રૂ. 10 લાખ કરોડ ડૂબ્યા હતા.
ઘરેલુ શેરબજારોમાં ચાઇનીઝ સ્ટાર્ટઅપ ડીપસેકે ઊથલપાથલ મચાવી હતી. ચીનના એક સ્ટાર્ટઅપ ડીપસેકે એક મફત અને ઓપન સોર્સ AI મોડલ લોન્ચ કરીને ટેક્નોલોજીના વિશ્વમાં તહેલકો મચાવ્યો હતો. આ AI મોડલ, અમેરિકી કંપની ઓપન AEના ચેટજીપીટીને ટક્કર આપશે એવી શક્યતા છે. એને પગલે અમેરિકી સ્કોટ ફ્યુચર્સ અને મોટા ભાગના એશિયાનાં શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. નેસ્ડેક કોમ્પોઝિટ ફ્યુચર્સ અને એસ એન્ડ પી 500 ફ્યુચર્સમાં ક્રમશઃ આશરે બે ટકા અને એક ટકાનો ઘટાડો થયો હતો. જે રોકાણકારો માટે ચિંતાનું કારણ હતું.
ઘરેલુ શેરબજારો હાલમાં ઘટવાનાં અનેક કારણો છે- જેમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, કંપનીઓનાં નબળાં ત્રિમાસિક પરિણામો, અર્થતંત્રમાં સુસ્તી અને ડોલરની તુલનાએ સતત ઘસાતો રૂપિયો છે. આ સાથે વિદેશી રોકાણકારોએ ગયા વર્ષના ઓક્ટોબરથી આશરે રૂ. 2.5 લાખ કરોડના શેરો વેચ્યા હતા. FIIએ 24 જાન્યુઆરી સુધી ભારતીય ઇક્વિટીમાં રૂ. 69,000 કરોડની વેચવાલી કરી છે.
સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 824 પોઇન્ટ તૂટીને 75,366 પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 275 પોઇન્ટ તૂટીને 22,817.30ના મથાળે બંધ થયો હતો. ગયા વર્ષે સાત જૂન, 2024 પછી નિફ્ટી સૌપ્રથમ વાર 22,800ની નીચે સરક્યો હતો.
આ સાથે US ફેડરલની 2829 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં બેન્ક દરઘટાડાનું ચક્ર પૂરુ કરે એવી શક્યતા છે, એમ નિષ્ણાતોનું માનવું છે. આ ઉપરાંત વિશ્વના બજારો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ પર બાજ નજર રાખી રહ્યા છે, કેમ કે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લગાવ્યા પછી ટ્રમ્પે કોલંબિયા પર 25 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે.
BSE એક્સચેન્જ પર કુલ 4234 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 601 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3512 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 121 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 93 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 494 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.