પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા ગુલામ હૈદરને લઈને મુંબઈ પોલીસને ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે ગઈ કાલે કંટ્રોલ રૂમને ધમકીભર્યો કૉલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોલીસને ધમકી આપી હતી કે જો પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પાકિસ્તાન પરત નહીં ફરે તો 26/11ના આતંકવાદી હુમલા માટે તૈયાર રહો. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. પાકિસ્તાની મહિલા સીમા હૈદર ઓનલાઈન ગેમિંગ દરમિયાન યુપીના નોઈડામાં રહેતા સચિન મીનાના પ્રેમમાં પડી ગઈ હતી. જે બાદ સીમા પાકિસ્તાનથી ભાગીને નેપાળ થઈને ભારત આવી હતી.
નોઈડા પોલીસે ધરપકડ કરી હતી
સીમા હૈદરની પણ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. નોઈડા પોલીસે આ કેસમાં સચિનની ધરપકડ પણ કરી હતી. જોકે બાદમાં કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી હતી. હાલમાં તે પોતાના બાળકો સાથે સચિનના ઘરે રહે છે.
સીમા હૈદરે કહ્યું કે તેના જીવને ખતરો છે
સીમાએ કહ્યું છે કે જો તેને પાકિસ્તાન પરત મોકલવામાં આવે તો જીવનું જોખમ છે. સીમાના પહેલા પતિએ ભારત સરકારને તેની પત્ની અને બાળકોને પાછા મોકલવાની અપીલ કરી છે. જેના પર સીમાએ કહ્યું હતું કે જો તેને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે તો તેને ત્યાં મારી નાખવામાં આવશે. તેણે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી હિંદુ ધર્મ અપનાવીને સચિન સાથે લગ્ન કર્યા છે.
ઓનલાઈન ગેમ્સ રમતા પ્રેમમાં પડ્યા
સચિને જણાવ્યું છે કે બંને 2019માં ઓનલાઈન ગેમ PubG રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો. આ પછી બંને આ વર્ષે માર્ચ મહિનામાં નેપાળમાં મળ્યા હતા. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને પોતપોતાના દેશમાં પરત ફર્યા હતા. સીમા 13 મેના રોજ નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી અને સચિનના ઘરે પહોંચી હતી.
