સુરક્ષા મંત્રાલયની ઇઝરાયલને ગાઝા પર કબજો કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે જંગ ચાલી રહ્યું છે. આ જંગની વચ્ચે ઇઝરાયલે મોટો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે ગાઝા શહેર પર કબજો કરવાની યોજનાને મંજૂરી આપી છે. ગુરુવારે શરૂ થયેલી અને આખી રાત ચાલેલી સુરક્ષા મંત્રીમંડળની બેઠક પહેલાં નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલ આખા વિસ્તારમાં ફરીથી નિયંત્રણ સ્થાપિત કરવા અને તેને હમાસવિરોધી મિત્ર આરબ દળોને સોંપવાની યોજના બનાવી રહ્યું છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં અત્યાર સુધીમાં હજારોથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. ગાઝાનો મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો છે અને ત્યાંના લોકોને મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ બધાની વચ્ચે ગાઝા પર ઇઝરાયલના હુમલા સતત ચાલુ છે. આજે ગાઝાના કેટલાક ગણતરીના વિસ્તારમાં જ એવું બન્યું છે કે તેને ઇઝરાયલીએ બફર ઝોન નથી બનાવ્યું અને ન તો ત્યાંથી લોકોને ખસેડવાનો આદેશ જારી કર્યો છે.

તાજેતરમાં ઇઝરાયલે બંધકોને છૂટા મૂકવાની માગ કરી હતી. ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદઓન સારે કહ્યું હતું કે હમાસ બંધક બનાવવામાં આવેલા લોકોને ભૂખ્યા રાખી રહ્યો છે જયારે ‘આતંકવાદીઓ માંસ, માછલી અને શાકભાજી ખાઈ રહ્યા છે.’ સારે આ દાવો પણ કર્યો હતો કે ઇઝરાયલ ગાઝામાં મોટા પ્રમાણમાં સહાય સામગ્રી જવા દે છે, પરંતુ હમાસ આ ખાદ્ય સામગ્રી લૂંટી રહ્યો છે અને તેને વેચી નાણાં કમાઈ રહ્યો છે.

હમાસે સાત ઓક્ટોબર, 2023એ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેને કારણે જંગ શરૂ થઈ હતી. આ હુમલામાં આતંકવાદીઓએ લગભગ 1200 નિર્દોષ નાગરિકોને હત્યા કરી હતી અને 251 લોકોને બંધક બનાવી લીધા હતા. હમાસ દ્વારા કરાયેલા આ હુમલાની જવાબી કાર્યવાહી ઇઝરાયલે શરૂ કરી હતી, જે આજે પણ ચાલુ છે. હાલ સ્થિતિ એવી છે કે ગાઝા અધમરું થઈ ગયું છે.