‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના’ ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું નિધન

નવી દિલ્હી: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટીને ડિઝાઇન કરનાર પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું નિધન થયું છે. ગુરૂવારે (18 ડિસેમ્બર) તેમના પુત્રએ આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, બુધવારે (17 ડિસેમ્બર) મોડી રાત્રે તેમના નોઈડા સ્થિત ઘરે રામ સુતારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમના પુત્ર અનિલ સુતારે જણાવ્યું હતું કે, ‘ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવીએ છીએ કે, મારા પિતા શ્રીરામ વણજી સુતારનું 17 ડિસેમ્બરે મધ્યરાત્રિએ અમારા ઘરે અવસાન થયું.’

વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસે છે. ત્યારે તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલમાં પોસ્ટ મૂકતા જણાવ્યું કે, શ્રી રામ સુતારજીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ એક અદ્ભુત શિલ્પકાર હતા, જેમની નિપુણતાએ ભારતને તેના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સીમાચિહ્નો આપ્યા, જેમાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે. તેમના કાર્યોની હંમેશા ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને સામૂહિક ભાવનાની શક્તિશાળી અભિવ્યક્તિ તરીકે પ્રશંસા કરવામાં આવશે. તેમના કાર્યો કલાકારો અને નાગરિકોને પ્રેરણા આપતા રહેશે. તેમના પરિવાર, પ્રશંસકો અને તેમના નોંધપાત્ર જીવન અને કાર્યથી પ્રભાવિત થયેલા બધા લોકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.

કોણ હતા રામ સુતાર

19 ફેબ્રુઆરી, 1925ના રોજ હાલના મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સાદા પરિવારમાં જન્મેલા રામ સુતારને બાળપણથી જ શિલ્પકળામાં રસ હતો. મુંબઈની જેજે સ્કૂલ ઑફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરના ગોલ્ડ મેડલિસ્ટ રામ સુતારના નામે ઘણી સિદ્ધિઓ છે. સંસદ સંકુલમાં ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની પ્રખ્યાત પ્રતિમાઓ તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર પટેલનું સન્માન કરતી ડિઝાઇન પણ તેમણે જ બનાવી હતી. રામ સુતારને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં, રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.