અમદાવાદ: સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા 27 થી 29 માર્ચ દરમિયાન સાયન્સ કાર્નિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં રાજ્યભરની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્ય સચિવ એમ કે દાસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી પી. ભારતી તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી કે પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સાયન્સ અને ટેક્નોલોજી પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન થયું હતું. દિવસે હેન્ડ્સ-ઓન વર્કશોપ (AI & Robotics), “Explore Science City”, ભવ્ય ડ્રોન શો તથા નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન જેવા આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા.
બીજા દિવસે જુનિયર લેવલ (પ્રાથમિક વિભાગના) વિદ્યાર્થીઓ માટે સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાયન્સ અને ટેક્નોલોજી એક્ઝિબિશન, સાયન્ટિફિક 3D રંગોળી, ગેલેરી વિઝિટ તથા લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાનનું આયોજન થયું હતું, જેમાં “Women in Science” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “Wonder of Chemistry” સાયન્સ શો, મેથ્સ થ્રૂ ઓરિગામી વર્કશોપ અને સાયન્સ ડ્રામા જેવા કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને વિશેષ આકર્ષ્યા હતા. દિવસના અંતે નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશનનું આયોજન થયું હતું.
ત્રીજા અને અંતિમ દિવસે સિનિયર લેવલ (સેકન્ડરી વિદ્યાર્થીઓ) માટે સાયન્સ ક્વિઝ યોજાઈ હતી. સાયન્સ અને ટેક્નોલોજી પ્રદર્શન તથા 3D રંગોળી સાથે “Fun Physics” સાયન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્નિવલ દરમિયાન હેન્ડ્સ-ઓન લર્નિંગ, ઇન્ટરએક્ટિવ પ્રદર્શન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને મનોરંજનનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, નવીનતા પ્રત્યે રસ વધારવો અને પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં ગુજરાત સાયન્સ સિટી સફળ રહી છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ ભવ્ય સાયન્સ કાર્નિવલને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવા જ વધુ પ્રેરણાદાયક કાર્યક્રમો યોજવા માટે પ્રેરણા મળી છે.


