અમદાવાદ: શહેર DEO કચેરી દ્વારા સતત ત્રીજા વર્ષે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેરની 574 અને ગ્રામ્યની 624 સ્કૂલોમાં પ્રી બોર્ડ પરીક્ષા શરૂ લેવાશે. આ પરીક્ષાથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા જેવો જ અનુભવ થાય તે માટે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન હોલટિકિટની વ્યવસ્થા કરાઇ છે. બોર્ડની પરીક્ષામાં જે પદ્ધતિ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ હોય છે તે મુજબ સ્કૂલોમાં અને એક કેન્દ્રિય ધોરણે સ્ટ્રોંગ રૂમ પણ બનાવાયો છે. આ સ્ટ્રોંગ રૂમમાંથી દરેક સ્કૂલોએ પેપર કલેક્ટ કરવાના રહેશે. ત્યાર બાદ સ્કૂલના સ્ટ્રોંગરૂમમાં પેપર રહેશે, અને પરીક્ષાના દિવસે વિદ્યાર્થીની હાજરીમાં પેપરનું સીલ તોડાશે.અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રી બોર્ડની પરીક્ષા વાર્ષિક પરીક્ષા મુજબ જ લેવાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં આ વર્ષે એ જ પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. દરેક સ્કૂલોને બોર્ડની પરીક્ષાની સમજ પણ મળી જાય તે માટે પણ આ એક્સરસાઇઝ કરાઈ છે. સ્કૂલો પોતાની જવાબદારી સમજે તે પણ અમારો મુદ્દો હતો. શનિવારથી શરુ થતી પ્રિ- બોર્ડ પરીક્ષામાં ગ્રામ્યની 624 સ્કૂલોના 42 હજાર વિદ્યાર્થીઓ જોડાશે.