હર્ષદ મહેતા અને તેલગી બાદ કરોડોનું ફુલેકું ફેરવનારા પર બનશે સ્કેમ સિરીઝનો ત્રીજો ભાગ

મુંબઈ: ‘સ્કેમ 1992’ અને ‘સ્કેમ 2003’ની જબરદસ્ત સફળતા બાદ હવે દિગ્ગજ દિગ્દર્શક હંસલ મહેતા સિરીઝની ત્રીજી સીઝન લાવવા તૈયાર છે. આ વખતે તેઓ OTTની દુનિયામાં સુબ્રત રોયની વાર્તા લઈને આવી રહ્યાં છે. ગુરુવારે તેમણે સ્કેમની નવી સીઝન’સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા’ની જાહેરાત કરી છે. ટાઈટલ ટીઝર શેર કરી હંસલ મહેતાએ લખ્યું છે કે,’sc3m પાછુ આવી ગયું છે! સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા, સોની લિવ પર ટૂંક સમયમાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ સિઝનને હંસલ મહેતા પોતે જ ડિરેક્ટ કરવાના છે.

સુબ્રત રોય દેશની એવી હસ્તીઓમાંથી એક છે જેમને 90ના દાયકામાં ભારતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ કહી શકાય. તેઓ સહારા ગ્રુપના સ્થાપક હતા. આ તે સમયગાળો હતો જ્યારે સહારાનો બિઝનેસ ચિટ ફંડથી લઈને એરોપ્લેન અને ટીમ ઈન્ડિયાની સ્પોન્સરશિપથી લઈને ન્યૂઝ મીડિયા સુધી વિસ્તર્યો હતો. જોકે સહારા શ્રી તરીકે જાણીતા સુબ્રત રોયને જ્યારે રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો હતો.

ગરીબોના 10 હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા?
2014માં સુબ્રત રોયને 10,000 કરોડ રૂપિયાની લેણી રકમ ન ચૂકવવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે બે વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહ્યા અને 2016માં પેરોલ પર બહાર આવ્યા. જો કે આ પછી તેને ફરીથી જેલમાં જવું પડ્યું, કારણ કે નિયમનકારી સંસ્થા સેબીએ સુપ્રીમ કોર્ટ પાસે પેરોલ રદ કરવાની માંગ કરી હતી. ગયા વર્ષે નવેમ્બર 2023 માં સુબ્રત રોયનું 75 વર્ષની વયે કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટને કારણે અવસાન થયું હતું.

અગાઉ ‘સ્કેમ 1992’ અને ‘સ્કેમ 2003’ આવી ચૂકી છે

OTTની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય ‘સ્કેમ ફ્રેન્ચાઇઝ’ની આ ત્રીજી સીઝન હશે. હર્ષદ મહેતાની સ્ટોરી પહેલી સીઝન ‘સ્કેમ 1992’માં બતાવવામાં આવી હતી. વર્ષ 2020 માં તે વર્ષની સૌથી હિટ સિરીઝ હતી. પ્રતિક ગાંધીએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પાત્રે પ્રતીકને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. શ્રેણીની બીજી સિઝનમાં સ્ટેમ્પ પેપર કૌભાંડની વાર્તા બતાવવામાં આવી હતી. સિરીઝ ‘સ્કેમ 2003’ અબ્દુલ કરીમ તેલગીની વાર્તા પર આધારિત છે, જેનુંen નિર્દેશન જય મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.

સુબ્રત રોય કોણ હતા સહારા શ્રીની વાર્તા?
બિહારના અરરિયા જિલ્લામાં 10 જૂન 1948ના રોજ જન્મેલા સુબ્રત રોયે ગોરખપુરની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1978માં તેણે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં માત્ર 2,000 રૂપિયાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ધીમે ધીમે તેણે દેશનો સૌથી મોટો ચિટ ફંડ બિઝનેસ અને સહારા સામ્રાજ્યની સ્થાપના કરી. તેઓ ગોરખપુરથી લખનૌ પહોંચ્યા. તેણે પોતાની ચિટ ફંડ યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા લોકો પાસેથી લાખો રૂપિયા એકઠા કર્યા. આ એવા લોકો હતા જેમને બેંકિંગ વિશે વધારે જાણકારી ન હતી. સુબ્રત રોયે નિર્ધારિત સમયમર્યાદામાં અનેક ગણા નફા સાથે આ નાણાં પરત કરવાનું વચન આપ્યું હતું.