સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો

ગાંધીનગર: ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફૂટે પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્રસંગે લોકમાતા નર્મદાના પાવન જળની આરાધના સરદાર સરોવર ડેમ સાઈટ એકતા નગર પહોંચીને જળપૂજન અને વધામણાંથી કરી હતી. મુખ્યમંત્રીની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત સંગઠનના પદાધિકારીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૦ શહેરો તથા ૦૭ મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડતા આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.નર્મદા ડેમ અત્યાર સુધીમાં કુલ ૦૬ વખત – વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા ૯,૪૬૦ મિલીયન ઘન મીટર છે.