અમદાવાદના જાસપુર મુકામે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિર વિશ્વભરમાં છવાયું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી ટાઈમ સ્ક્વેર બિઝનેસ પાર્કની દીવાલો પર ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે 10:30 વાગ્યે અને અમેરિકન સમય મુજબ બપોરે 12:55 કલાકે વિશ્વઉમિયાધામ મંદિરની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરના ઈતિહાસમાં પ્રથમ વખત સતત 5 મિનિટ સુધી ભારતના કોઈ મંદિરની પ્રવૃતિઓ અને મંદિરની ઝાંખી ત્યાં પ્રસ્તુત થઈ. અયોધ્યાના રામમંદિર બાદ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામની 5 મિનિટની ઝલક ટાઈમ્સ સ્ક્વેર પર રજૂ કરાઈ હતી. સનાતન ધર્મ કી જયના જય ઘોષ સાથે ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું હતું.

ટાઈમ્સ સ્ક્વેર પર સતત 5 મિનિટ પ્રસ્તુતિ કરનાર વિશ્વઉમિયાધામ પ્રથમ મંદિરઃ આર.પી.પટેલ
આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે અમેરિકાના વિવિધ 13 સ્ટેટના 600થી વધુ NRI ભાઈઓ-બહેનોએ વિશ્વઉમિયાધામની પ્રસ્તુતિ લાઈવ ટાઈમ્સ સ્ક્વેર પર નિહાળી છે. પ્રથમવાર જય ઉમિયા જય જય ઉમિયાના નાદથી ટાઈમ્સ સ્ક્વેર ગુંજી ઉઠ્યું હતું. સનાતન ધર્મ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી કે સનાતન ધર્મનું કોઈ એક મંદિરની સતત 5 મિનિટ સુધી પ્રસ્તુતિ ટાઈમ્સ સ્ક્વેર પર કરાઈ હોય. અયોધ્યામાં રામ મંદિરની પુન:પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત એવું બન્યું કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર પર પ્રસ્તુત થઈ. ન્યૂયોર્કના પ્રસિદ્ઘ ટાઈમ સ્ક્વેર પર જગતજનની માં ઉમિયાની ખૂબ જ મોટી તસવીર અને સમગ્ર મંદિર પરિસરનું પાંચ મિનિટ સુધી પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. જેમાં વિશ્વ ઉમિયા ધામની વિવિધ સામાજિક પ્રવૃત્તિ વિશ્વ સમક્ષ મુકાઈ તેમજ સનાતન ધર્મના કાર્યની ઓળખ પ્રસ્થાપિત કરાઈ. આ સાથે 600થી વધુ NRIએ ટાઈમ્સ સ્ક્વેર પર ગરમા રમી ઉમિયા માતકી જયનો જય ઘોષ કર્યો હતો.

