World Cup 2023 બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો 149 રને વિજય

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં મંગળવારે એક ખૂબ જ નીરસ મેચ રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 383 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. આ હાર સાથે બાંગ્લાદેશી ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આ રીતે આફ્રિકાની ટીમે 149 રનના માર્જિનથી મેચ જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે 383 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ શરૂઆતથી જ સંઘર્ષ કરતી જોવા મળી હતી.તેણે 31 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ 81 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. આ પછી મહમુદુલ્લાએ ઇનિંગ સંભાળી અને નસુમ અહેમદ સાથે 41 રનની ભાગીદારી કરી.

મહમુદુલ્લાહે સદી ફટકારી

જે બાદ મહમુદુલ્લાહે મુસ્તફિઝુર રહેમાન સાથે 9મી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરીને ટીમને વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી હારમાંથી બચાવી હતી. પરંતુ મહમુદુલ્લાહ પણ ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. આ પછી આખી ટીમ 233 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ માટે મહમુદુલ્લાહે 111 બોલમાં 111 રનની તોફાની સદીની ઇનિંગ રમી હતી. લિટન દાસે 22 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બાંગ્લાદેશી બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી અને કાગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે લિઝાર્ડ વિલિયમ્સ અને કેશવ મહારાજે 1-1 વિકેટ લીધી હતી.